ગોડાદરાના આધેડના મોત બાદ સબંધી પોસ્ટમોર્ટમ વગર મૃતદેહ લઇ જતા હોબાળો
- નવી સિવિલની પોલીસ ચોકી શોભાના ગાંઠિયા જેવી
- પોલીસ ચોકીમાંથી કર્મચારીઓ ગાયબ : પોલીસ ચોકી હોવા છતાં
ઘટના અંગે ડોકટરોને ખટોદરા પોલીસ મથકે જાણ કરવાની નોબત
સુરત,:
નવી સિવિલ હોસ્પિટલની સુરક્ષા માટે હાલમાં જ હોસ્પિટલ પરિસરમાં પોસ્ટમાર્ટમ રૃમની બાજુમાં આધુનિક પોલીસ ચોકી બનાવવામાં આવી છે. પણ અહી પોલીસ કર્મચારીઓ ઓનડયૂટી ગાયબ જોવા મળે છે. આજે મૃતકનો પરિવાર મૃતદેહ પોસ્ટમોર્ટમ વગર જ લઇને જતો રહેતા હોબાળો મચી ગયો હતો. ડોકટરોએ ચોકીમાં પોલીસ હાજર ન હોવાથી ખટોદરા પોલીસ મથકે જાણ કરવી પડી હતી. ડોકટરો અને સ્ટાફમાં પણ કચવાટ જોવા મળ્યો હતો.
નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ખટોદરા પોલીસ મથક હેઠળ આવેલી આ નવનિમત પોલીસ ચોકીનું થોડા દિવસ અગાઉ પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું .જોકે આ પોલીસ ચોકી જે ઉદેશ્યથી બનાવવામાં આવી તેનો ઉદ્દેસ પુરો થઇ રહ્યો નથી. ગોડાદરા ખાતે રહેતા ૫૦ વર્ષીય બાબુભાઇ દેસાઈ આજે સવારે બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે ડિંડોલી રોડ ઉપર બાઈક પરથી પડી જતા તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ મરણ જાહેર કર્યા હતા.
જોકે આ બનાવમા થયું એ હતું કે બાબુભાઈનો મૃતદેહનું પોસ્ટમાર્ટમ થાય તે પહેલા જ પરિવારજનો પોસ્ટમાર્ટમ કરાવ્યા વગર તેમનો મૃતદેહ લઈને જતા રહ્યા હતા.જેને પગલે હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો.ડોકટરો અને સ્ટાફ તેમને શોધવા લાગ્યા હતા.પરંતુ તેઓ નહિ મળી આવતા અંતે ડોક્ટર અને સ્ટાફ આ અંગે જાણ કરવા માટે સિવિલ ખાતે આવેલી પોલીસ ચોકીમાં પહોંચ્યો હતો.જોકે ત્યાં પોલીસ કર્મીઓ હાજર નહીં હતા.જેથી આ અંગે ખટોદરા પોલીસ મથકમાં જાણ કરવાની નોબત આવી હતી હતી.વધુમાં ડોક્ટરો અને સ્ટાફ દવારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ઘણીવાર પોલીસ ચોકીમાં પોલીસ કર્મીઓ હાજર મળતા નથી. જેને કારણે વર્દી આપવી,પોલીસને જાણ કરવા સહિતના લીગલી અને જરૃરી કામોમાં વિલંભ થતું હોય છે.એટલું જ નહીં હોસ્પિટલની સુરક્ષાના ઉદેશ્યથી પોલીસ ચોકી બનાવવામાં આવી છે.પરંતુ કેટલાંક પોલીસ કર્મીઓ ગંભીરતાથી લેતા નથી.ત્યારે હવે આ અંગે ડોકટરો દવારા હોસ્પિટલ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યા છે.