ભાજપના મેળાવડા બાદ નેતાઓ પોઝિટિવ આવવાનું શરૂ
- ભાજપ જિલ્લા પ્રમુખ બાદ શહેર ભાજપ મહામંત્રી પોઝિટિવ
- બે દિવસ પહેલા મુખ્યમંત્રીનું સ્વાગત માં હાજર હતા મહામંત્રી કિશોર બિંદલ
સુરત, સોમવાર
સુરતમાં રાજ્ય સરકાર અને ભાજપ દ્વારા યોજાયેલા જાહેર સમારંભ બાદ સુરત શહેર અને જિલ્લાના ભાજપના નેતાઓ પોઝિટિવ આવવાનું શરૂ થયું છે. વિવિધ સમારંભમાં કોરોના ની ગાઈડલાઈન નું ઉલ્લંઘન કરતા નેતાઓ સંક્રમણનું ભોગ બની રહ્યા છે. ગઈકાલે જિલ્લા ભાજપ પ્રમુખ પોઝિટિવ આવ્યા બાદ આજે સુરત શહેર ભાજપના મહામંત્રી કોરોના પોઝિટિવ જાહેર થયા છે.
ભાજપના નેતાઓ કોરોના ના સુપર સ્પ્રેઇડર હોય તેવી રીતે જાહેર સમારંભમાં માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ ના ધજાગરા ઉડાવી રહ્યા છે. લોકોને સાવચેતી રાખવા માટે સલાહ આપતા નેતાઓ હવે ભોગ બની રહ્યા છે. ગઈકાલે જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમની સાથે સંપર્કમાં આવનારા નેતાઓ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં દેખાયા હતા. બે દિવસ પહેલા એરપોર્ટ પર મુખ્યમંત્રીનું બુકે આપી સ્વાગત કરનારા સુરત શહેર ભાજપના મહામંત્રી કિશોર બીંદલ આજે પોઝિટિવ જાહેર થયા છે. કિશોર બિદલ સાથે ભાજપના પ્રમુખ અન્ય મહામંત્રી અને કેટલાક અધિકારીઓ પણ એરપોર્ટ પર હાજર હતા. એક બાદ એક ભાજપના નેતાઓ પોઝિટિવ આવતા ભાજપમાં ગભરાટ ફેલાયો છે.