મકાન વેચાણ પેટે 29.80 લાખ લીધા પછી બિલ્ડરે અન્યને વેચી દીધું
image : Socialmedia
Vadodara : વડોદરામાં સૃષ્ટિ ડૂપ્લેક્સની સ્કીમમાં મકાન ખરીદી પેટે 29.80 લાખ ચૂકવ્યા છતાંય બિલ્ડર દ્વારા તે મકાન અન્યને વેચી દેવામાં આવ્યું હતું. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રતાપનગર સિંધવાઇ માતા રોડ શિવમ લક્ષ્મી સોસાયટીમાં રહેતા શાલિનીબેન વિક્રમભાઇ પટણીના પતિ પ્રોપર્ટી રેન્ટ પર આપવાનો ધંધો કરે છે. શાલિનીબેને બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, સાત વર્ષ પહેલા અમારે મકાન લેવાનું હોઇ મારા પતિના મિત્ર નિશાંત પટેલે આજવા રોડ પાયોનિયર કોલેજની સામે ઇષ્ટદેવ પ્રોજેક્ટ પ્રા.લિ.ના ડાયરેક્ટર મહેશ વીરાભાઇ પટેલ, ઘનશ્યામ ચુનીભાઇ પટેલની સૃષ્ટિ ડૂપ્લેક્સ સ્કીમમાં તપાસ કરવા જણાવ્યું હતું. અમે 45 નંબરનું મકાન 34.21 લાખમાં લેવાનું નક્કી કર્યુ હતું. અમે તેઓને 6.60 લાખ ચૂકવ્યા હતા. ત્યારબાદ તેઓએ અમને એલોટમેન્ટ લેટર આપ્યો હતો. તેમજ બાનાખત અને બાંધકામ કરાર કરી આપ્યો હતો. જે રજીસ્ટર્ડ કરાવ્યો હતો. આ મકાન પર લોન લઇેને અમે 20.95 લાખ ચેકથી તેમજ 1.61 લાખ રોકડા આપ્યા હતા.
ત્યારબાદ તેઓએ એકતરફી રજીસ્ટર્ડ બાનાખત રદ્દ કરવા અંગે બાપોદની કચેરીમાં નોંધ કરાવી હતી. બિલ્ડરે ચિંતામણી સહલ સલીમભાઇ (રહે.સાવલી)ને રજીસ્ટર્ડ બાનાખત કરી આપ્યું હતું. ત્યારબાદ તેઓએ કોકીલાબેન નરેન્દ્રભાઇ રાજભોઇ (રહે. શિવમ સોસાયટી, ગોધરા)ને રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. અમે લોનના હપ્તા પેટે 6.11 લાખ પણ ભરી દીધા હતા. બાપોદ પોલીસે હરિપ્રિત કોમ્પલેક્સ, બી.પી.સી. રોડ પર ઓફિસ ધરાવતા મહેશ પટેલ તથા સયાજીપુરા ગામ લુહાર ફળિયામાં રહેતા ઘનશ્યામ પટેલ સામે ગુનો દાખલ કર્યો છે.