મજબૂત વિકાસની વાતો વચ્ચે નબળા પુલોની પોલંપોલ, સુદર્શન સેતુ પછી લીંબડી-અમદાવાદ ઓવરબ્રિજ પર ગાબડું
Limbadi-Ahmedabad Over Bridge : સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસતાં જ વિકાસની પોલ ઉઘાડી પડી ગઈ છે. સરકાર રાજ્યમાં વિકાસની મોટી-મોટી વાતો કરી રહી છે ત્યારે રસ્તા અને પુલોની નબળી કામગીરીએ વિકાસની હવા કાઢી નાખી છે. ઠેર-ઠેર નવા રોડ અને બ્રિજ પર ગાબડાં પડતાં ભ્રષ્ટાચારની પોલ છતિ થઈ છે. બે દિવસ અગાઉ કરોડોના ખર્ચે બનાવેલા ઓખા-બેટ દ્વારકાને જોડતાં સુદર્શન બ્રિજમાં ગાબડાં પડ્યાં હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં બ્રિજના બાંધકામ સામે અનેક સવાલો ઉભા થયા હતાં.
ત્યારે હવે લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર સુરેન્દ્રનગરના લીંબડી સર્કલ પાસે ઓવરબ્રિજ પર 10 ફૂટનું મસમોટું ગાબડું પડતાં બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. ઓવરબ્રિજના બાંધકામમાં નબળા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જેમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલિભગત હોવાની પણ ચર્ચાઓ થઇ રહી છે. ઓવર બ્રિજ પર પડેલા ગાબડાં કારણે હાલ પુરતો એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. અને બેરિકેડ મૂકીને રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
થોડા સમય અગાઉ અંદાજે 40 કરોડના ખર્ચે તૈયાર થયેલા ડભોઇ નજીક ઓવરબ્રિજ પર ગાબડું પડતાં વિવાદ સજાર્યો હતો અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે મરામતની કામગીરી હાથ ધરવામાં આવતાં 7 દિવસ માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ઠેર-ઠેર બ્રિજ પર પડી રહેલા ગાબડાં જોતાં એવું લાગે છે વિકાસ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોનો થઇ રહ્યો છે. જો આ પ્રકારે રાજ્યમાં બ્રિજ પર ગાબડાં પડશે તો ચોક્ક્સ ગુજરાતમાં પણ બિહારવાળી જોવા મળે તો નવાઇ નહી.
રૂ. 950 કરોડનાં ખર્ચે બનેલા બ્રિજના બાંધકામમાં પોલંપોલ
દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદના લીધે ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજમાં અનેક સ્થળે ગાબડાં પડયા હતાં. બ્રિજના જોઈન્ટ છુટા પડી ગયા હતા તેમજ બ્રિજના સળિયા બહાર દેખાતા હોવાના ફોટા-વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. બ્રિજની રેલિંગને પણ કાટ લાગી ગયો હોવાથી બાંધકામમાં પોલંપોલ ચાલતી રહી હોવાનું ખુલ્લું પડી ગયું હતું.
બિહારમાં એક જ દિવસમાં 3 બ્રિજ ધરાશાયી
જુલાઇ મહિનામાં બિહારના સીવાન જિલ્લામાં એક જ દિવસમાં 3 પુલ તૂટવાના અહેવાલ સામે આવ્યા હતા. પુલ તૂટવાની આ ઘટના મહારાજગંજ વિસ્તારમાં બની હતી. એક દિવસમાં 3 પુલ તૂટવાને લીધે અનેક ગામ સંપર્કવિહોણા થઈ ગયા હતા. માહિતી અનુસાર ગંડક નદી પર 2 પુલ અને ધમહી નદી પર બનેલો એક પુલ તૂટી પડ્યો હતો.
સીવાનમાં ગંડક કેનાલ પર બનેલો પુલ જૂનની 22મીએ અચાનક તૂટી પડ્યો હતો. પહેલા પુલનો એક પિલર પડી ગયો અને થોડીવારમાં આકો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો. આ ઘટના રામગઢા પંચાયતની હતી. પાટેડા અને ગરાઉલી ગામ વચ્ચે ગંડક કેનાલ પર બનેલો પુલ પણ ઘણો જૂનો હતો.