Get The App

શાપર બાદ ઉપલેટામાંથી રૂા. 1.28 લાખનું નકલી બિયારણ બરામદ

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
શાપર બાદ ઉપલેટામાંથી રૂા. 1.28 લાખનું નકલી બિયારણ બરામદ 1 - image


રાજકોટ જિલ્લામાં કપાસનાં નકલી બિયારણનો મોટા પાયે વેપલો સપ્લાયર તરીકે જૂનાગઢ અને જામકંડોરણાના વેપારીના નામ ખુલ્યાં, બંનેની પૂછપરછ કરવા તજવીજ

રાજકોટ, : રાજકોટ જિલ્લામાં કપાસનું નકલી બિયારણ મોટા પાયે વેચાતું હોય તેમ બે દિવસ પહેલાં એસઓજીએ શાપરના ગોડાઉનમાં દરોડો પાડી રૂા. 2.83 લાખની કિંમતનું નકલી બિયારણ કબજે કર્યા બાદ ગઈકાલે ઉપલેટામાં આવેલા ગોડાઉનમાં દરોડો પાડી ત્યાંથી રૂા. 1,28 લાખની કિંમતનું નકલી બિયારણ કબજે કર્યું હતું. જેના સપ્લાયર તરીકે જૂનાગઢ અને જામકંડોરણના વેપારીના નામો ખુલ્યા છે. 

એસઓજીના આ બે દરોડાને પગલે ખેતીવાડી ખાતામાં દોડધામ મચી ગઈ છે. તેના સ્ટાફે બંને જગ્યાએથી સેમ્પલ લઈ તેને લેબોરેટરીમાં મોકલી દેવા તજવીજ હાથ ધરી છે. 

એસઓજીએ ચોકકસ બાતમીના આધારે ઉપલેટામાં આવેલા પરેશ વલ્લભ સેલારકા (રહે. ઉપલેટા)ના કબજા-ભોગવટાના ગોડાઉનમાં ગઈકાલે દરોડો પાડતાં ત્યાંથી કપાસના નકલી બિયારણની જુદી-જુદી પાંચ બ્રાન્ડની 184 થેલી મળી આવી હતી. એક થેલીની કિંમત એસઓજીએ રૂા. 700 ગણી કુલ રૂા. 1,28 લાખની કિંમતની થેલીઓ સીઆરપીસીની કલમ 102 મુજબ કબજે કરી હતી. 

એસઓજીના પીએસઆઈ બી. સી. મિયાત્રાએ જણાવ્યું કે ગોડાઉન માલીક પરેશે પ્રાથમિક પુછપરછમાં બિયારણની એક થેલી રૂા. 400માં લઈ તેને રૂા. 1,000થી લઈ રૂા. 1,200માં વેચતો હોવાની કેફિયત આપી છે. જૂનાગઢના સુભાષ ચોથાણી અને જામકંડોરણાના પ્રશાંત વ્યાસ પાસેથી આ બિયારણનો જથ્થો ખરીદ કરતો હોવાનું કહી રહ્યો છે. જેથી આ બંનેની પણ પુછપરછ કરવામાં આવશે.  લેબોરેટરીના અભિપ્રાય બાદ આ કેસમાં ગુનો નોંધવામાં આવશે. બે દિવસ પહેલા શાપરમાંથી ઝડપાયેલા નકલી બિયારણના સપ્લાયર તરીકે ઈડરના ગુણવંત પટેલ નામના વેપારીનું નામ ખુલ્યું હતું. 


Google NewsGoogle News