ઉકાઇ ડેમમાંથી 197 કલાક પાણી છોડયા બાદ વરસાદ બંધ થતા પાણી છોડવાનું બંધ કરાયુ
- ઉકાઇ ડેમના રૃલલેવલ 335 ફુટની સામે સપાટી 335.52 ફુટ નોંધાઇ
સુરત
ઉકાઇ ડેમના કેચમેન્ટમાં મેઘરાજા શાંત થતા જે આજે બપોરે ૧ કલાકે ઉકાઇ ડેમના તમામ દરવાજા બંધ કરીને ત્રણ હાઇડ્રોમાં ૧૭ હજાર કયુસેક પાણી છોડીને વીજ ઉત્પાદન ધમધમતુ રાખ્યુ છે. સુરત શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો. છેલ્લા આઠ દિવસ સુધી ઉકાઇ ડેમમાંથી પાણી છોડયુ હતુ.
ફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ ઉકાઇ ડેમના કેચમેન્ટના ઉકાઇ થી લઇને ટેસ્કા સુધીના ૫૨ રેઇનગેજ સ્ટેશનમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. જેના કારણે સવારે ૬૨ હજાર કયુસેક ઇનફલો આવ્યા બાદ બપોરે એક વાગ્યે ઘટીને ૩૩ હજાર કયુસેક થઇ જતા સતાધીશોએ ઉકાઇ ડેમના તમામ દરવાજા બપોરે એક વાગ્યે જ બંધ કરી દઇને ત્રણ હાઇડ્રોમાં પાણી છોડવાનું ચાલુ રાખ્યુ હતુ. દરમ્યાન બપોર પછી પાણીની આવક ૩૨ હજાર કયુસેકની સામે ૧૭ હજાર કયુસેક પાણી છોડાતા સપાટીમાં સામાન્ય વધારો થઇને સાંજે છ વાગ્યે ૩૩૫.૫૨ ફુટ થઇ હતી. જયારે ઉકાઇ ડેમનું રૃલલેવલ ૩૩૫ ફુટ અને ભયજનક સપાટી ૩૪૫ ફુટ છે. ગત ૨૩ મી ઓગસ્ટના સવારે આઠ વાગ્યે ઉકાઇ ડેમના દરવાજા ખુલ્લા કર્યા હતા. ત્યારબાદ છેક આજે ૩૧ મી ઓગસ્ટે આજે બપોરે એક વાગ્યે બંધ કરાતા કુલ ૧૯૭ કલાક પાણી છોડાયુ હતુ. આ વરસાદની સાથે જ સુરત જિલ્લામાં પણ મેઘરાજાએ વિરામ લીધો હતો.આમ વરસાદની સ્થિતિ થાળે પડતા જ વહીવટીતંત્ર અને ઉકાઇ ડેમના સતાધીશોએ રાહતના શ્વાસ લીધા હતા.
દરમ્યાન સુરત શહેરમાં પણ વરસાદે વિરામ લેતા તાપમાન વધીને ૩૧.૬ ડિગ્રી થયુ હતુ.તો લઘુતમ તાપમાન ૨૬.૬ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા, હવાનું દબાણ ૧૦૦૪.૦ મિલીબાર અન દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના ૧૦ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.