હવે તો હદ થઈ! રાજકોટ બાદ સુરતની 7 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ, પોલીસે તપાસ હાથ ધરી
Surat Seven Hotel Threatened of Bomb: દેશમાં અનેક જગ્યાએ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઈટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીનો સિલસિલો યથાવત છે. જોકે, હવે આ ધમકીમાં એરપોર્ટની સાથે-સાથે હોટલોનો પણ સમાવેશ થઈ ચુક્યો છે. શનિવારે (26 ઓક્ટોબર) રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી બાદ આજે (27 ઓક્ટોબર) સુરતના ડુમસ રોડ પર આવેલી લે મેરિડીયન સહિતની 7 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. મેઇલ દ્વારા હોટલને આ ધમકી આપવામાં આવી હતી. જેમાં 55 હજાર ડોલર (46 લાખ)ની માગ સાથે ધમકીભર્યો મેઇલ કરાયો હતો. જેમાંથી એક હોટલમાં સિનિયર સુપર વુમન ક્રિકેટ લીગની મહિલા ક્રિકેટરો પણ રોકાઈ છે.
પોલીસે ચાર કલાક સુધી કરી તપાસ
પોલીસને આ ધમકી વિશે જાણ થતાં જ તમામ કાફલા સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સુરતની ડુમલસ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ, ડોગ અને બોમ્બ સ્કોવડ સહિત ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી હતી. સમગ્ર ઘટનાની તપાસ લગભગ ચાર કલાક સુધી ચાલુ હતી. જોકે, રાજકોટની જેમ જ આ ઘટનામાં પણ તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
આ પણ વાંચોઃ 'હોટલમાં બોમ્બ છે,જલ્દી ખાલી કરાવો' રાજકોટની 10 હોટલને ધમકીથી દોડધામ
મેઇલ આઈડીની તપાસ હાથ ધરાઈ
ડુમસ પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ, લે મેરિડીયન હોટલના સ્ટાફે જણાવ્યું હતું કે, એક ધમકીભર્યો મેઇલ આવ્યો છે. જેમાં કહેવાયું છે કે, હોટલમાં કાળા રંગની બેગમાં બોમ્બ મુકવામાં આવ્યો છે. 55 હજાર ડોલર આપો નહીંતર બોમ્બથી ઉડાડી દઇશું.જેવી જ અમને માહિતી મળી અમે તાત્કાલિક BDSની ટીમો, કંટ્રોલ, અન્ય ઉપરી અધિકારીઓ તથા SOG અને ક્રાઇમ બ્રાન્ચને જાણ કરી હતી. હાલ, બોમ્બની ધમકી જે આઇડીમાંથી કરવામાં આવી તેની તપાસ કરવામાં આવી રહી છે.
રાજકોટની હોટલને પણ મળી હતી ધમકી
નોંધનીય છે કે, શનિવારે (27 ઓક્ટોબર) રાજકોટની 10 જેટલી હોટલમાં 'મેં તમારી હોટલમાં દરેક લોકેશન ઉપર બોમ્બ મુક્યા છે...જલદી ખાલી કરાવો' તેવી ધમકી આપતા ઈ-મેઈલ મળતા ભારે દોડધામ મચી ગઈ હતી. ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિત પોલીસ ટીમો તાત્કાલિક ધોરણે તમામ હોટલોમાં પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ મુંબઈ- કંડલા ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવાથી તંત્રમાં દોડધામ
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 10 હોટલને એક સરખા ઈમેલ મોકલીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી અપાયાની જાણ થતાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમ દરેક હોટલ પર પહોંચી ગઈ હતી. આ ટીમે હોટલના રૂમ, કિચનથી માંડીને બહાર પાર્ક કરવામાં આવેલા વાહન સુધી તમામ વસ્તુઓની સઘન તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન હોટલના સ્ટાફ અને ઉતારૂઓને બહાર મોકલી આખી હોટલ ખાલી કરવામાં આવી હતી. રાત સુધી તપાસ કરવામાં આવી છતાં કોઈ વાંધાજનક વસ્તુ ન મળતાં તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
શનિવારે આ હોટલને બોમ્બથી ઉડાડી દેવાની મળી હતી ધમકી
- ઈમ્પીરીયલ પેલેસ
- હોટલ ગ્રાન્ડ રિજેન્સી
- હોટલ સયાજી
- હોટલ સીઝન્સ
- હોટલ ભાભા
- હોટલ સેન્ટોસા
- હોટલ એલીમેન્ટ્સ
- હોટલ જ્યોતિ
- હોટલ બીકોન
- હોટલ પેરેમાઉન્ટ ઈન
નોંધનીય છે કે આ હોટલો એવી છે જેમાં મોટા રાજકારણીઓથી માંડીને ક્રિકેટરો વગેરેની અવરજવર રહેતી હોય છે. હાલ દિવાળી તહેવારોમાં લોકો હરવા ફરવા જતા હોય છે અને નજીકના દિવસોમાં લગ્નગાળો આવી રહ્યો હોવાથી હોટલનો ઉપયોગ પણ વધતો હોય છે. ત્યારે આ ધમકીથી લોકો ગભરાઈ ગયા હતાં. ધમકી આપનારા હોટલ ખાલી કરાવવાની સૂચના અંગ્રેજીમાં કેપીટલ અક્ષરોમાં આપી હતી જે અન્વયે તેનો ઉદ્દેશ ભય ફેલાવવાનો હોવાનું પણ અનુમાન થઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે હજુ ત્રણ સપ્તાહ પહેલા જ રાજકોટ અને વડોદરા એરપોર્ટ પર બોમ્બની પરોક્ષ ધમકીભર્યા મેઈલ મોકલાયા હતાં અને સી.આઈ.એસ.એફ.અને પોલીસ સહિત સિક્યુરિટી સ્ટાફે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યારબાદ તાજેતરમાં પણ એરલાઈન્સને ધમકીભર્યા ઈમેઈલ મોકલાયા હતાં. જેનાથી ફ્લાઈટ ડીલે કરવી પડતા કરોડોનું નુકશાન અને મુસાફરોને હાલાકી થતી હોય છે. મુંબઈમાં એક ટીનએજરને ધમકી બદલ પોલીસે ગિરફ્તાર પણ કર્યો હતો છતાં આ સિલસિલો જારી છે જેની પાછળ કોઈ ષડયંત્રકારી ટોળકી સક્રિય હોવાની શંકા જન્મી છે.