Get The App

સ્પા સામે તવાઈ આવતા સુરતના ખૂણેખૂણે રહેણાંક ફ્લેટમાં કૂટણખાના ધમધમતા થયા

ઈચ્છાનાથમાં ભાડાના ફ્લેટમાંથી કુટણખાનું ઝડપાયા બાદ ઘોડદોડ રોડ, ખરવાસા રોડના ફ્લેટમાંથી વધુ બે કુટણખાના ઝડપાયા

સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતા કુટણખાના બંધ કરાવ્યા, હવે પોલીસ કમિશનર સમક્ષ નવો પડકાર

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
સ્પા સામે તવાઈ આવતા સુરતના ખૂણેખૂણે રહેણાંક ફ્લેટમાં કૂટણખાના ધમધમતા થયા 1 - image


- ઈચ્છાનાથમાં ભાડાના ફ્લેટમાંથી કુટણખાનું ઝડપાયા બાદ ઘોડદોડ રોડ, ખરવાસા રોડના ફ્લેટમાંથી વધુ બે કુટણખાના ઝડપાયા

- સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતા કુટણખાના બંધ કરાવ્યા, હવે પોલીસ કમિશનર સમક્ષ નવો પડકાર


સુરત, : સુરતના વિવિધ વિસ્તારોમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતા કુટણખાના બંધ કરાવનાર પોલીસ કમિશનર સમક્ષ નવો પડકાર ઉભો થયો છે.સુરત પોલીસની સ્પા સામેની કાર્યવાહીને પગલે શહેરના ખૂણેખૂણે ફ્લેટમાં ફરી કૂટણખાના ધમધમતા થયા છે.સુરતના ઈચ્છાનાથમાં ભાડાના ફ્લેટમાંથી કુટણખાનું ઝડપાયા બાદ ઘોડદોડ રોડ, ખરવાસા રોડના ફ્લેટમાંથી વધુ બે કુટણખાના ઝડપાયા છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચના IUCAW સેલે ઉમરા પોલીસની હદમાં ઈચ્છાનાથ નહેરુનગરની પાછળ શિવમ એપાર્ટમેન્ટના ભાડાના ફ્લેટમાં ધમધમતું કુટણખાનું ઝડપી પાડી ત્યાંથી દિલ્હી, મુંબઈ, કોલકત્તા, સિમલાની ચાર લલનાને મુક્ત કરાવી હતી.IUCAW સેલે સંચાલક, મેનેજર, એજન્ટ, સહાયક અને ચાર ગ્રાહકોને ઝડપી કુટણખાનાના ત્રણ પાર્ટનર અને ફ્લેટ ભાડે આપનારને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.ત્યાર બાદ ગતરોજ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ઉમરા પોલીસ મથકની હદમાં જ ઘોડદોડ રોડ પાસે રાજ ઘરાના જવેલર્સની પાછળ ધનરાજ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ભાડાના ફ્લેટમાં ધમધમતું કુટણખાનું ઝડપી પાડી સંચાલકને ઝડપી પાડી એક લલનાને મુક્ત કરાવી કુટણખાનાના મૂળ માલિક અને એજન્ટને વોન્ટેડ જાહેર કર્યા હતા.એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે જ ડીંડોલી પોલીસ મથકની હદમાં ખરવાસા રોડ માર્ક પોઈન્ટ કોમ્પ્લેક્ષના બીજા માળે ફ્લેટમાં ધમધમતા કુટણખાનાને ઝડપી પાડી મહિલા સંચાલક અને ગ્રાહકને ઝડપી પાડી બે લલનાને મુક્ત કરાવી હતી.

સુરતના વીતેલા ઘણા સમયથી વિવિધ વિસ્તારોમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં કુટણખાના ચાલતા હતા.હાલ પણ ઘણા સ્થળે તે ચાલુ છે પણ અગાઉની સરખામણીમાં તેમની સંખ્યા સુરત પોલીસની કાર્યવાહીને લીધે ઘટી છે.ગત માર્ચ મહિનામાં સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતા કુટણખાના બંધ કરાવવા શહેર પોલીસની ચાર મહિલા અધિકારીને મેદાનમાં ઉતાર્યા હતા અને તેમાં પોલીસને સફળતા મળી હતી.જોકે, કુટણખાના ચલાવનારાઓએ પોલીસથી બચવા ફરી તેમની જૂની પદ્ધતિ શરૂ કરી દીધી છે.

સ્પા સામે તવાઈ આવતા સુરતના ખૂણેખૂણે રહેણાંક ફ્લેટમાં કૂટણખાના ધમધમતા થયા 2 - image

ભૂતકાળમાં સુરતમાં કોઈક રહેણાંક વિસ્તારમાં ફ્લેટ કે મકાન ભાડે રાખી ત્યાં લલનાઓને બોલાવી કે રાખી કુટણખાના ચાલતા હતા.સુરત પોલીસે તે માટે કાર્યવાહી કરવા ટાસ્ક ફોર્સ પણ બનાવી હતી.જોકે, પોલીસ કાર્યવાહી બાદ તેનું પ્રમાણ ઘટવા માંડયું હતું તેમજ બદલાયેલા સમયને અનુસરી કુટણખાના સ્પા અને મસાજ પાર્લરની આડમાં ધમધમવા લાગ્યા હતા.પોલીસની ભીંસને લીધે તે ફરી ફ્લેટમાં શરૂ થતા સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતા કુટણખાના બંધ કરાવનાર પોલીસ કમિશનર સમક્ષ નવો પડકાર ઉભો થયો છે.


Google NewsGoogle News