સુરતમાં પીપલોદ નાઇટ ફૂડ બજારમાં પાલિકાના વિપક્ષની જનતા રેડ બાદ તંત્ર જાગ્યું, આખરે દંડ અને નોટિસ ફટકારી કરી કાર્યવાહી
Surat Corporation : સુરત પાલિકામાં ભલે ભાજપનું રાજ છે પરંતુ અધિકારીઓ ભાજપના કોર્પોરેટરો પર અધિકારીઓ હાવી થઈ ગયાં છે અને ગાંઠતા નથી તેવું ફરી એક વાર સાબિત થયું છે. સુરત પાલિકાના આરોગ્ય સમિતિના અધ્યક્ષે બે મહિના પહેલા પીપલોદ નાઇટ ફૂડ બજારમાં સફાઈ બાબતે ફરિયાદ કરી હતી, પરંતુ બે મહિના સુધી પાલિકા તંત્રએ કોઈ કામગીરી કરી નથી. તો બીજી તરફ પાલિકાના વિપક્ષી નેતા અને વિપક્ષના કોર્પોરેટરોએ નાઇટ ફૂડ માર્કેટમાં જનતા રેડ કરતા પાલિકાના આરોગ્ય વિભાગે દરોડા પાડીને દંડ ફટકારવા સાથે, નોટિસ આપી અને અખાદ્ય પદાર્થનો નાશ કર્યો હતો. જેના કારણે પીપલોદ નાઇટ બજારની ફરિયાદ અધ્યક્ષે કરી કોઈ પરિણામો નહીં, વિપક્ષે કરી તો તાબડતોડ કાર્યવાહી કરવામાં આવી છે. તેથી પાલિકાના ભાજપના રાજમાં ભાજપના કોર્પોરેટરોનું કંઈ ઉપજતું નથી તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે.
સુરત મહાનગરપાલિકાની કાલે મળેલી આરોગ્ય કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં પાલિકાના વિપક્ષના સભ્ય ડો.કિશોર રૂપારેલ ઝીરો અવરની ચર્ચા દરમિયાન પીપલોદ નાઇટ ફૂડ બજારનો મુદ્દો ઉપાડ્યો હતો. આ ફુડ માર્કેટ લોકોના આરોગ્ય માટે જોખમી હોવાનું જણાવી બળાપો કાઢ્યો હતો.
દરમિયાન આરોગ્ય સમિતિના અધ્યક્ષ નેન્સી શાહે બે મહિના પહેલા જ નાઇટ બજારમાં મચ્છરોના ઉપદ્રવ મુદ્દે સૂચના આપી હોવા છતાં ફરીવાર નાઇટ ફૂડ કોર્ટમાં ગંદકી મળતા સમિતિના ચેરમેન દ્વારા વી.બી.ડી.સી વિભાગના અધિકારીઓએ કરેલી કામગીરીનો ખુલાસો માંગવામા આવ્યો છે અને કારણદર્શક નોટીસ સહિતની કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો.
પાલિકાના શાસક પક્ષના અને તે પણ આરોગ્ય સમિતિના અધ્યક્ષ નેન્સી શાહે બે મહિના પહેલા સુચના આપી હતી તેમ છતાં કોઈ કામગીરી થઈ ન હતી. બીજી તરફ પાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકરીયા અને અન્ય કોર્પોરેટરોએ જનતા રેડ કરતાં તંત્રએ તાબડતોડ કાર્યવાહી કરી હતી. જેના કારણે આરોગ્ય વિભાગે પીપલોદ ફૂડ કોર્ટમાં 13 સ્ટોલમાં ચકાસણી કરી હતી. જેમાંથી 13 સેમ્પલ લીધા હતા અને ત્યારબાદ આ ફૂડ સ્ટોલમાંથી 70 કિલો જેટલો અખાદ્ય પદાર્થ મળી આવ્યો હતો. પાલિકાએ 70 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરવા સાથે-સાથે 13 સ્ટોલ ધારકોને નોટીસ આવવા સાથે 26 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આમ પાલિકાના શાસક પક્ષની ફરિયાદ બાદ પરિણામ ઝીરો અને વિપક્ષની ફરિયાદ બાદ તાબડતોડ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે મુદ્દો પાલિકા કેમ્પસમાં ચર્ચાનો વિષય બન્યો છે.