અંજારમાં માતાના મૃત્યુ બાદ દીકરાએ પણ ઝેર પી અનંતની વાટ પકડી
કળિયુગનો શ્રવણ- જીવ્યો ત્યાં સુધી માતાની સેવા કરી
રાત્રે જીઆરડી અને દિવસે પાલિકામાં નોકરી છતાં બીમાર માતાની કરી નિરંતર સેવા
આ અંગે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, અંજારની ગુરુકુળ સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષીય ભાવેશ દિલીપભાઈ જોષી અને તેમની ૭૦ વર્ષીય માતા મુક્તાબેન દિલીપભાઈ જોષી પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. પાડોશમાં રહેતા હિરેનભાઈ પંડયાએ આ અંગે અંજાર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને માતા - પુત્રનાં મૃતદેહને પી.એમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતુ કે, મરણજનાર ભાવેશ ૨૦૧૩થી અંજાર નગરપાલિકામાં રોજમદાર તરીકે કામ કરતો હતો અને સાથે સાથે રાત્રે અંજારમાં જી આર ડી જવાન તરીકે પણ કામ કરતો હતો. પરિવારમાં માતા - પિતા હતા. જેમાં ભાવેશનાં પિતા કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામ્યા હતા. જે બાદ ભાવેશ અને તેની માતા મુકતાબેન ઘરમાં એકલા રહેતા હતા. જેમાં ભાવેશ બંને નોકરી સાથે પોતાની માતાની સારસંભાળ જાતે જ કરતો હતો. મુકતાબેનને હાઇ ડાયાબિટીસ હતી. જેથી તેમનું આખું શરીર ફુલાઈ ગયો હતો. જેથી તે છેલ્લા કેટલાક સમયથી હરી-ફરી શકતા પણ ન હતા. દરમિયાન ગત ૫ જાન્યુઆરીનાં ભાવેશની માતાની તબિયત ખરાબ થતા નોકરી પર રહેલા ભાવેશે તેના ઉપરના અધિકારીને કહયું હતુ કે, મારી માતાની તબિયત અત્યંત ખરાબ છે જેથી હું થોડાક સમય નોકરી પર નહિ આવું કહી રજા લીધી હતી. પોલીસે પ્રાથમિક તપાસ કરતા એવું જણાઈ રહ્યું હતું કે, ત્રણેક દિવસ પહેલા ભાવેશ ની માતા મુક્તાબેન નું અવસાન થઈ ગયું હતું જે વાતથી આઘાત પામી ભાવેશ એ પણ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પોલીસની તપાસમાં એવું જણાયું હતું કે મુક્તાબેનનું મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં બેડ પરથી મળી આવ્યો હતો પરંતુ તેની આજુબાજુ ઝેર પીધો હોય તેવું કોઈ અવશેષ ન મળતા તેમનો કુદરતી મૃત્યુ થયું હોય તેવું અંદાજ લગાવવામાં આવી રહ્યું છે જ્યારે ભાવેશનો મૃતદેહ બેડથી નીચે કોહવાઈ ગયેલો મળી આવ્યો હતો એ જેની આસપાસ ઝેરના ટીપા અને ઝેર ની બોટલ પણ મળી આવી છે જેથી માતાના કુદરતી મૃત્યુ બાદ તેને ઝેર પી આપઘાત કરી લીધો હોવાનું અંદાજ લગાવી પોલીસે હાલે માતા પુત્ર બંનેના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
ભાવેશના મૃત્યુ બાદ પાલિકામાં શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
અંજાર નગરપાલિકામાં વર્ષ ર૦૧૩થી પાલિકાના પાણી પુરવઠા શાખામાં પંપ ઓપરેટર તરીકે ફરજ બજાવનાર સ્વ. ભાવેશના મૃત્યુ બાદ પાલિકા પ્રમુખ વૈભવ કોડરાણીના અધ્યક્ષ સ્થાને પાલિકા ખાતે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાસકપક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામીએ શોક ઠરાવનું વાંચન કરી સદ્દગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.