કોડકી ચોકડી બાદ હવે સરપટ નાકાથી મહિલા ચોકડી સુધી અકસ્માતનો ભય
ગટર લાઈનની કામગીરી બાદ રસ્તાની હાલત ઉખડબાખડ
ભુજ શહેરના મોટા ભાગના રસ્તાઓની હાલત ખરાબ છે. મોટા ભાગના મુખ્ય રસ્તાઓની અવદશા છે. તેમાં પણ બસ સ્ટેશન વિસ્તાર, ભીડ, સરપટ નાકા તરફના રસ્તાઓથી દશા તો જોવા જેવી છે. શહેરના જાહેર માર્ગો ઉંચા નીચા છે. ખાડા ટેકરાવાળા રસ્તાઓથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવે છે. ભુજના બસ પોર્ટ સામેનો મેઈન રોડની સાઈડો પણ અકસ્માત સર્જે તેમ છે. શહેરના અન્ય માર્ગો પર પણ ઠેર ઠેર ખાડાઓ પડયા છે. અમુક રોડ પર ગટરના ઢાંકણા મુસીબત ઉભી કરે છે. નગરપાલિકાની અનેક બોડીએ નવા રોડ બનાવ્યા હશે પણ આ રોડની આવરદા હોતી નથી. ત્યારે આવા રોડના કારણે ભુજમાં સામાન્ય અકસ્માત થવાના બનાવો પણ બનવા લાગ્યા છે.
ત્યારે, કોડકી ચોકડી જેવી ઘટના પણ ભવિષ્યમાં રેલવે ફાટકથી મહિલા કેન્દ્ર ચોકડી સુધી બને તો નવાઈ નહીં કેમ કે, આ રોડની હાલત દયનીય છે. મહિનાઓ પૂર્વે આ રસ્તા પર ગટરના પાઈપ પાથરવાની કામગીરી ચાલતી હતી. જે કામગીરી પણ મહિનાઓ સુધી ચાલી હતી પરિણામે સ્થાનિકે રહેતા રહેવાસીઓ હેરાન પરેશાન થયા હતા. રોડ વન વે બની જતા પસાર થતા હજારો વાહન ચાલકો પરેશાનીનો ભોગ બનતા હતા. તો બીજીતરફ, તૂટેલા રોડના કારણે ધૂળ ઉડતી હોઈ ખાસ કરીને નાના વાહન ચાલકો વધુ મુશ્કેલી ભોગવી રહ્યા છે.
હાલમાં છેક, રેલવે ફાટકથી છેક મહિલા કેન્દ્ર ચોકડી સુધી તૂટેલા ઉખડ બાખડ રોડના કારણે ટુ વ્હીલર ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે, નવો રોડ બનાવાય એ પહેલા રોડની મરંમત કરાવાય તેવી સ્થાનિકો માંગણી કરી રહ્યા છે. અન્યથા કોડકી રોડ પરની અકસ્માતની ઘટનાનું પુનરાવર્તન થતા વાર નહીં લાગે!!