ભગવાન શિવનું અપમાન કર્યા બાદ હવે સ્વામી આનંદ સાગરે માફી માંગી
વડોદરા, તા. 06 સપ્ટેમ્બર 2022, મંગળવાર
રૂ. 10 હજાર કરોડની પ્રોપર્ટીમાં ભાગ નહી મળતા સોખડા હરિધામમાંથી પોતાના ટેકેદારો સાથે નીકળીને બાકરોલ સ્થિત યોગી ડિવાઇન સોસાયટીના મંદિરમાં સ્થાયી થયેલા પ્રબોધ સ્વામીના ખાસ શિષ્ય આનંદ સાગરે અમેરિકાની ધરતી પર કરોડો હિંદુઓના આરાધ્ય દેવ મહાદેવનું હડહડતુ અપમાન કરીને શિવજી અંગે એલફેલ બોલતા આ મામલે ભડકો થયો હતો અને અગામી દિવસોમાં આ બાબતે મોટો વિવાદ સર્જાયો છે. આ વિવાદ બાદ હવે પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદ સાગરે વીડિયો શેર કરીને તમામ ભક્તજનોની માફી માંગી છે.
અમેરિકાના ન્યુ જર્સી ખાતે તાજેતરમાં પ્રબોધસ્વામી જૂથ દ્વારા યોજાયેલી સુહૃદયમ પરિવાર શિબિરનો એક વીડિયો યુ ટયુબ ઉપર 'અક્ષરયાત્રા'નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં આનંદસાગર સ્વામીએ શિવ પર વિવાદિત નિવેદન આપ્યું હતું.
વીડિયોમાં આનંદ સાગર પ્રબોધ સ્વામીની હાજરીમાં જ બોલી રહ્યા છે કે, આત્મીય વિદ્યાધામની ધરતી પર એક દીકરો રહે છે. નિશિથ એનું નામ છે. કચ્છનો છે. જ્યારથી આત્મીય વિદ્યાધામ પર રહેવા આવ્યો છે. ત્યારથી એને ગુરૃહરી પ્રબોધ સ્વામીએ એમને અઢળક દર્શન આપ્યા છે. કદાચ આખું પુસ્તક ભરાય એટલા બધા તેને અનુભવો અને દર્શન છે. એમા ગયા મહિને થોડા દિવસ પહેલા જ એને દર્શન આપ્યા, પ્રબોધ સ્વામીજીએ. આત્મીય વિદ્યા ધામની ધરતી પર પ્રબોધ સ્વામી રૂમમાં હતા અને નિશિથભાઇને બોલાવ્યા અને કીધું કે જા એવીડીના મેઇન ગેટ પાસે જા. બીજી કોઇ આજ્ઞા હતી નહી એટલે નિશિથ ભાઇ ત્યાં ગયા. જ્યાં મેઇન ગેટ હતો અને ગેટની બહાર શિવજી ઉભા હતા. તેમણે આગળ જણાવ્યુ કે, નિશિથભાઇએ વર્ણન કર્યુ કે, આપણે પિક્ચરમાં કેવી રીતે જોઇએ એવી રીતે શિવજી જટાવાળા, નાગ પહેરેલા, રૃદ્રાક્ષની માળા પહેરેલી, ત્રિશુલ હાથમાં, આપણે ટીવીમાં જોઇએ છે એમ બધી પ્રોપર્ટી સાથે વ્યવસ્થિત ઉભા હતા.
પછી નિશિથભાઇએ પ્રાર્થના કરી કે, આપ અહી સુધી આવ્યા છો તે અંદર પધારો જેથી પ્રબોધસ્વામીજીના આપને દર્શન થઇ જાય. ત્યારે શિવજીએ કીધુ કે પ્રબોધ સ્વામીના દર્શન મને થાય એવા હજી મારા પુણ્ય જાગૃત થયા નથી. પણ મને તમારા દર્શન થઇ ગયા એ મારા અહોભાગ્ય છે... એમ કહી, એટલુ વાક્ય બોલી અને શિવજી એ યુવકને નિશિથભાઇના ચરણસ્પર્શ કરી અને ત્યાંથી જતા રહ્યા. શિવજીનું આ અપમાન પ્રબોધ સ્વામીની હાજરીમા જ થઇ રહ્યુ હતું અને પ્રબોધસ્વામી આ બધુ સાંભળી રહ્યા હતા.
હવે પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદ સાગરે વીડિયો શેર કરીને તમામ ભક્તજનોની માફી માંગી
સ્વામી આનંદ સાગરે માફી માગતા કહ્યું કે, દેવાધિદેવ મહાદેવજી ભારતીય સંસ્કૃતિના આરાધ્ય દેવ છે પૂજનીય છે અને અતિશય મોટા છે. દરેક હિન્દુ માટે અને મારા માટે પણ તેઓ આરાધ્ય છે અને રહેશે. એક યુવકની લાગણીને શેર કરવા તથા તેમને ભાવ આપવા માટે મારાથી જે કંઈ પણ ભૂલ થઈ છે તે બદલ સનાતન ભારતીય સંસ્કૃતિના એક સાધુ અને એક સાધક તરીકે તમામ શિવભક્તોને તથા તમામ ભારતીય સંસ્કૃતિના સનાતન ધર્મના સાધકોની, ભક્તજનોની ક્ષમા માંગુ છું. તેમણે આગળ કહ્યું કે, આ ઘટના બાદ પ્રબોધ સ્વામીજીએ કડક શબ્દોમાં મને સૂચન આપ્યું છે. શિબિર દરમયાન મૌન આપ્યું છે અને 7 દિવસના ઉપવાસ આપ્યા છે.