ગોંડલમાં હાઇવોલ્ટેજ ડ્રામા બાદ સામસામે ફરિયાદ નોંધાઇ, 10 લોકોની કરાઇ ધરપકડ
Gondal News: ગોંડલમાં ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા વચ્ચેના શાબ્દિક યુધ્ધ બાદ રવિવારે સામાજિક અને રાજકીય ઘમસાણ શરૂ થઈ ગયું છે. ગોંડલ પહોચેલા પાટીદાર આગેવાનો અલ્પેશ કથિરિયા, જીગીશા પટેલ, ધાર્મિક માલવીયાના કાફલાને ગણેશ જાડેજાના સમર્થકોનો વિરોધ સહન કરવો પડ્યો હતો. આશાપુરા ચોકડી પાસે લોકોનાં ટોળાએ તેમના કાફલામાં સામેલ ચાર-પાંચ કારનાં કાચ ફોડી નાખી હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પથ્થરબાજી પણ થઇ હતી. આ મામલે બંને પક્ષોએ સામસામે આક્ષેપ કર્યા છે અને બી ડિવિઝનમાં પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવી છે. ગણેશના સમર્થકોને કારથી કચડવાનો પ્રયાસ અને રાયોટીંગ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. તો બીજી તરફ કથિરિયાના સમર્થનમાં આવેલી ચાર-પાંચ કારમાં તોડફોડની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. બ્રેજા કાર ચાલક વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે, તેણે યુવકો પર કાર ચડાવવાનો પ્રયત્ન કર્યો હોવાનો આક્ષેપ છે.
10 આરોપીઓની ધરપકડ
પીન્ટુ સાવલિયા
નિલેશ ચાવડા
પુષ્પરાજ વાળા
અજીતસિંહ ઝાલા
કરણસિંહ પઢિયાર
કીર્તિરાજસિંહ ઝાલા
હિતેશ રાઠોડ, અરમાન ખોખર
રોહિત રાઠોડ
માનવ વાઘેલા સહિતના વ્યક્તિઓની કરાઈ ધરપકડ
અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો
સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલની મુલાકાતને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનો દાવો કરાયો હતો. આ મુલાકાતમાં અનેક લોકો અલ્પેશના સમર્થનમાં આવ્યા હતાં, ત્યારે ઘણાં લોકો તેની વિરોધમાં દેખાવ કરતા જોવા મળ્યા હતાં. જોકે, આ દરમિયાન આશાપુરા મંદિરથી દર્શન કરીને નીકળ્યા બાદ અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. કડક પોલીસ બંદોબસ્ત હોવા છતાં આ હુમલામાં તેની ગાડીના કાચ તોડી નાંખવામાં આવ્યા હતા.
હુમલા બાદ અલ્પેશ કથિરિયાએ કહ્યું કે, 'જ્યાં સુધી અમે ગોંડલમાં રહેશું ત્યાં સુધી વિરોધ થશે. આ જ તો મિર્ઝાપુર છે, ગોંડલમાં કોઈ વ્યક્તિ આવવા ન જોઈએ. આવે તો હુમલા કરવાના, તેના માણસો, ગાડી અને પરિવારને નુકસાન કરવાનું, ગોંડલમાં કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિને અમુક વ્યક્તિઓના ઈશારે નચાવવામાં આવી રહી છે.'