ભારે વરસાદ બાદ વડોદરા ખાડોદરા બન્યું, છેલ્લા નવ દિવસમાં કોર્પોરેશને નાના મોટા 4912 ખાડાનું પુરાણ કર્યું
વડોદરામાં ગઈ 26 ઓગસ્ટે ભારે વરસાદ બાદ પુર આવ્યું હતું. પૂરના પાણી ત્રણ ચાર દિવસ સુધી ભરાયેલા રહેતા તેના કારણે રોડ ઠેર ઠેર ધોવાતા રોડ પર ખાડા પડી ગયા છે. રોડ પર કપચીઓ ઉખડી ગઈ છે .રોડ ઉપર ખાબડ થઈ ગયા છે. જેના કારણે આવતા જતા વાહન ચાલકો અને રાહદારીઓ ના હાડકા ખોખરા થઈ જાય છે. પૂર ઉતરી ગયા બાદ આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને રોડ પર પડેલા નાના-મોટા ખાડા પૂરવાની કામગીરી તારીખ 30 થી વડોદરા કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. તારીખ 7 સુધીમાં 4,912 નાના મોટા ખાડા નું પુરાણ કર્યું છે. આ પુરાણ કરવા માટે 3,513 મેટ્રિક ટન હોટ મિક્સ, વેટ મિક્સ તથા કોલ્ડ મિક્સ ડામર સહિતના મટીરીયલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. 1643 મોટા ખાડા પુરવા 1678 મેટ્રિક ટન હોટ મિક્સ, 3241 નાના ખાડા પુરવા 1877 મેટ્રિક ટન વેટ મિક્સ તેમજ અન્ય 28 ખાડા પુરવા માટે 18 મેટ્રિક ટન કોલ્ડ મિક્સ મટીરીયલ વપરાયું છે. હજી પણ ખાડા પૂરવાની કામગીરી ચાલુ છે.
સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીનાના કહેવા મુજબ હાલ વરસાદ અને પુર પછી શહેરમાં મુખ્ય કામગીરી સફાઈ રોડના ખાડા પુરવા, પેચ વર્ક કરવું, અસરગ્રસ્તોને સહાય વિતરણ અને ગણેશ વિસર્જનને અનુલક્ષીને કોર્પોરેશન દ્વારા કરવામાં આવનારી તૈયારી પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે હાલ કોર્પોરેશન પાસે આ કામગીરી પૂર્ણ થતાં લાંબા ગાળાના આયોજનો ને પ્રાથમિકતા અપાશે. તેમણે ઉમેર્યું હતું કે શહેરમાં હાલમાં ક્યાંય ટ્રાફિક સર્કલની જરૂર જણાતી નથી, એટલે ક્રોકોડાઇલ સર્કલ બનાવવાની જે વાત શહેરમાં ચાલી રહી છે ,તેમાં કોઈ તથ્ય નથી. આ સર્કલ બનાવવા માટે સ્ટેન્ડિંગ સમિતિ ના અધ્યક્ષ કે કમિશનરને કોઈ મળ્યું પણ નથી. હાલ સ્ક્રેપ માંથી બનાવેલો મગર હરણી ખાતેના સ્કલ્પચર પાર્કમાં છેલ્લા ઘણા વખતથી પ્રદર્શિત કરવામાં આવેલો જ છે.