વડોદરામાં 13 ઇંચ ખાબક્યા બાદ મેઘરાજાના ખમૈયા, વિશ્વામિત્રીએ ભયજનક સપાટી વટાવી, જનજીવન ઠપ
Heavy Rain in Vadodara : વડોદરા શહેર અને જિલ્લામાં બુધવારે અનરાધાર 13 ઇંચ જેટલો વરસાદ વરસતાં સંસ્કારી નગરીમાં પાણી જ પાણી થઈ ગયું હતું. આખું શહેર બોટમાં ફેરવાઈ જતાં એનડીઆરએફની ટીમ બોટ લઈને શહેરમાં રેસ્ક્યુ માટે ફરતી જોવા મળી હતી. વિશ્વામિત્રી નદીમાં ભયજનક સપાટી 26 ફૂટ છે, ભારે વરસાદના લીધે વિશ્વામિત્રી નદીએ આ સપાટી વટાવી દીધી છે. હાલ વિશ્વામિત્રી નદી 27 ફૂટે વહી રહી છે. શહેરના તમામ વિસ્તારોમાં ઠેરઠેર ગોઠણસમા વરસાદી પાણી ભરાયા છે. શાળા-કૉલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
485 સોસાયટી, 150 વસાહતોમાં ગોઠણસમા વરસાદી પાણી ભરાયા
ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવતાં શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે કમાટીપુરા, જલારામ નગર, આકોટા ગામની ઝૂંપડપટ્ટી સહિતના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. જેના લીધે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને માલ-સામાનનું ભારે નુકસાન થયું છે. શહેરમાં ભારે વરસાદને કારણે લગભગ તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેનો નિકાલ કરવામાં કોર્પોરેશન નિષ્ફળ નિવડ્યું છે, આજે કોર્પોરેશનના અધિકારીઓ દિવસભર દોડતા રહ્યા પરંતુ વરસાદ સતત ચાલુ રહેવાના કારણે પાણીનો નિકાલ કરવામાં ભારે વિલંબ થયો હતો. ચાર ઝોનમાં 120 વિસ્તારની 485 સોસાયટી અને 150 વસાહતોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. બીજી તરફ વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવતાં શહેરના માર્ગો ઉપર મગર જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 54 ટકા ભરાયો, 46 જળાશયો છલકાતા એલર્ટ
વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા
ભારે વરસાદના લીધે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને ખાસ કરીને સિનિયર સિટીઝન મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. એટલું જ નહિં અનેક દુકાનો તેમજ મકાનમાં પણ પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી 85 સોસાયટીઓ અને 20 વસાહતમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા.
ગોરવાનું દશામાં તળાવ ફાટ્યું, 300થી વધુ વસાહતીઓ ફસાતા રેસ્ક્યુ
વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલું દશામાં તળાવ ફાટતાં આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. વરસાદને કારણે આજે તળાવ ઓવરફલો થતાં આસપાસના રહેણાક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ફાયર બ્રિગેડ, સ્થાનિક કાઉન્સિલરની ટીમ તેમજ પોલીસ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરાતાં 300થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાતમાં અત્ર તત્ર સર્વત્ર મેઘ મહેર, છેલ્લા 24 કલાકમાં 236 તાલુકા તરબોળ, જાણો ક્યા કેટલો વરસાદ નોંધાયો
NDRF તેમજ SDRFની ટીમો તૈનાત કરાઈ
વડોદરા શહેરમાં બુધવારે અવિરત વરસેલા વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં ફસાઈ ગયેલા લોકોને સલામત સ્થળે બહાર કાઢવા માટે એસડીઆરએફની બે અને એનડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વડોદરા કોર્પોરેશનના સહયોગથી નિચાણવાળા વિસ્તારોમાંથી ટ્રેક્ટર અને વિટકોસ બસ દ્વારા 60 જેટલા નાગરિકોને એસડીઆરએફની મદદથી સલામત રીતે! નજીકના આશ્રયસ્થાન ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : વરસાદની તોફાની બેટિંગ, ઉમરપાડામાં 13 ઈંચ ખાબક્યો, 300 રોડ બંધ, જનજીવન અસ્ત-વ્યસ્ત
50000 જોડાણોનો વીજ પુરવઠો ખોરવાતા લોકોને હાલાકી
વડોદરામાં બુધવારે પડેલા ભારે વરસાદના કારણે લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડયો હતો. આટલું ઓછું હોય તેમ લગભગ 50000 જોડાણો પરનો વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. સુરક્ષાના ભાગરુપે 100 જેટલા ટ્રાન્સફોર્મરોનો વીજ પુરવઠો બંધ કરવો પડ્યો હતો. આ ઉપરાંત શહેરના દાંડિયાબજાર, વાસણા, પાણીગેટ, માંડવી, ખોડિયાર નગર વિસ્તારના સબ ડિવિઝનના સાત ફીડરો પરનો વીજ પ્રવાહ પણ બંધ કરવામાં આવ્યો હતો. આમ કુલ મળીને 50000 જોડાણોની લાઈટો કલાકો સુધી ગુલ થઈ હતી.