સુરત જળમગ્નઃ ખાડીપૂરના ગંદા પાણી ઘરોમાં ઘૂસતા લોકોને હાલાકી, હજુ વરસાદની આગાહી

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
સુરત જળમગ્નઃ ખાડીપૂરના ગંદા પાણી ઘરોમાં ઘૂસતા લોકોને હાલાકી, હજુ વરસાદની આગાહી 1 - image


Heavy Rain in Surat: સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા દિવસથી સતત વરસી રહેલા વરસાદે બુધવારે રાત્રે વિરામ લીધો હતો. સુરતના અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ ભારે વરસાદના લીધે ખાડીમાં આવક થતાં ખાડીની સપાટી ભયજનક લેવલે પહોંચી ગઇ છે. સુરતના અનેક વિસ્તારો પાણીમાં જળબંબાકાર થઇ ગયા છે. દુકાનો અને ઘરોમાં પાણી ભરાઇ ગયા છે. જેના લીધે સુરતીઓનું જનજીવન ખોરવાઇ ગયું છે.

અને ક પરિવારો ચાર દિવસથી પાણી હોવાથી તેઓ લાઈટ વગર રહી રહ્યાં છે અને અનાજ અને અન્ય સામગ્રી પણ પાણીમાં ભીંજાઈ ગઈ છે. સુરતમાં વરસાદી આફત હવે લોકોના ઘર સુધી પહોંચી ગઈ છે અને લોકોના ઘરોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે અને ગટરના પાણી બેક મારી રહ્યા હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગંદા પાણીને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં સુરતીલાલાઓની ઉંઘ હરામ થઇ ગઇ છે. 

આ પણ વાંચો :  વડોદરામાં 13 ઇંચ ખાબક્યા બાદ મેઘરાજાના ખમૈયા, વિશ્વામિત્રીએ ભયજનક સપાટી વટાવી, જનજીવન ઠપ

સુરત જિલ્લામાંથી આવતી અને શહેરમાંથી પસાર થતી ખાડીઓ જિલ્લામાં વરસાદના કારણે છલોછલ વહી રહી છે.  જિલ્લામાં ભારે વરસાદના કારણે આજે સવારે 11 વાગ્યે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ રહી છે અને ખાડી ઓવરફ્લો થતાં શહેરના મુખ્ય રસ્તાઓ સાથે આંતરિક રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે. રોડ પર પાણીનો ભરાવો હોવાના કારણે વાહન ચાલકોની હાલત કફોડી થઈ રહી છે.

સુરત શહેરના વરાઝા, પાસોદરા, કઠોદરા, વેલંજા, રાજીવનગર, સરથાણા વ્રજ ચોક, સણિયા હેમાદ, સારોલી ગામ, ભેદવાડ ખાડી વિસ્તારોમાં ખાડી પૂરના પાણી ફરી વળતાં અસરગ્રસ્ત લોકોના રેસ્ક્યુ કરાયા છે તો આ તરફ વરાછા ઝોન, સરથાણા ઝોન, લિબાયત ઝોન, ઉધના ઝોન –એ, ઉધના ઝોન – બી, અઠવા ઝોનમાં કુલ 955 અસરગ્રસ્તોનું સ્થળાંતર કરી અને 17,770 ફુડ પેકેટની વહેંચણી કરવામાં આવી છે. ભારે વરસાદના લીધે શહેરના સરથાણા ખાતે આવેલ આદર્શ નિવાસી આશ્રમ શાળામાં પાણી ભરાતા 38 છોકરા, 57 છોકરીઓ, 16 અન્ય સ્ટાફ એમ કુલ 111 વ્યક્તિઓને સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે સ્થળાંતરિત કરી જેઓની રહેવા-જમવાની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી. તો બીજી તરફ સુરત કલેક્ટરે સુરતવાસીઓને સાવચેતી રાખવા અને ઇમરજન્સીની સ્થિતિમાં જાહેર કરાયેલા કંટ્રોલ રૂમના નંબર પર સંપર્ક કરવા જણાવ્યું છે. 

સુરત જળમગ્નઃ ખાડીપૂરના ગંદા પાણી ઘરોમાં ઘૂસતા લોકોને હાલાકી, હજુ વરસાદની આગાહી 2 - image

આ પણ વાંચો :  વરસાદની તોફાની બેટિંગ, ઉમરપાડામાં 13 ઈંચ ખાબક્યો, 300 રોડ બંધ, જનજીવન અસ્ત-વ્યસ્ત

ખાડીના પૂરમાં તણાઇ જતાં એકનું મોત

સુરતમાં સતત ચોથા દિવસે વરસાદની બેટીંગને કારણે જનજીવન અસ્તવ્યસ્ત રહ્યું હતું. શહેરમાં 5.25 ઇંચ વરસાદ ખાબકતા વરસાદી પાણી ઓસરી રહ્યા નથી. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે સીમાડા ખાડી છલકાઈ જતા કેટલાક વિસ્તારોમાં ખાડીપૂર જેવી સ્થિતિ છે. શહેરમાં જ 900થી વધુ લોકોનું સ્થળાંતર કરાવાયું છે. શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ઓસરી રહ્યા નથી. પલસાણાના ચલથાણ ગામની ખાડીમાં તણાઈ જતા બાવન વષીય સંજય ભાઉરાવ પવારનું મોત નીપજ્યું છે. જ્યારે માંડવી તાલુકાના મોરણ ખાડી પર માછલી પકડવા ગયેલા જુના કાકરાપાર બંગલા ટોઇ ફળિયાના 42 વર્ષના પરેશ માધુભાઈ ચૌધરી અને 52 વર્ષના અજીત વંશીભાઈ ચૌધરી તણાઇ ગયા હતા.

આ પણ વાંચો : ગુજરાતમાં અત્ર તત્ર સર્વત્ર મેઘ મહેર, છેલ્લા 24 કલાકમાં 236 તાલુકા તરબોળ, જાણો ક્યા કેટલો વરસાદ નોંધાયો

25-26 જુલાઈની આગાહી

આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે 25-26 જુલાઈના દિવસે રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેશે. જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે, ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે રાજ્યના દક્ષિણ ગુજરાત કેટલાક વિસ્તારો બાદ કરતાં 26 જેટલા જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.


Google NewsGoogle News