'ફ્લડ ટુરિઝમ' બાદ ભાજપના મંત્રીઓ ચૂંટણીમાં 'મસ્ત', ગુજરાતની પ્રજા હજુ પણ તકલીફોમાં વ્યસ્ત

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
BJP Gujarat


Gujarat Government: આ વખતે મેઘરાજા જાણે ગુજરાત પર કોપાયમાન થયા છે. ભારે વરસાદે તબાહી મચાવી છે, ત્યારે ટ્રકમાં બેસીને વડોદરામાં ફ્લડ ટુરિઝમનો આનંદ માણનારાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલ હવે ચૂંટણીમાં વ્યસ્ત થયા છે. અતિવૃષ્ટિમાં મુશ્કેલી વેઠી રહેલી ગુજરાતની જનતાની મદદ કરવાને બદલે  ભાજપના મંત્રીઓને મહારાષ્ટ્ર કબજે કરવાની પડી છે. 

કપરી પરિસ્થિતીમાં ભાજપ માટે ચૂંટણી મહત્ત્વની

હજુ તો મહારાષ્ટ્રમાં ચૂંટણીના ઠેકાણાં નથી. ક્યારે ચૂંટણી થશે તે નક્કી નથી ત્યારે અત્યારથી ભાજપના મંત્રીઓએ મુંબઈમાં પડાવ નાંખ્યો છે. એક તરફ ગુજરાતમાં કુદરતી આપદાએ ઘણાં લોકો ભોગ લીધો છે. વરસાદી પાણીને હજારો મકાનોને જ નહીં, ઘરવખરીને નુકશાન પહોંચ્યું છે. ખેડૂતોને તો જાણે મોઢામાંથી કોળિયો છીનવાયો છે. આવી કપરી પરિસ્થિતીમાં ભાજપ માટે ચૂંટણી મહત્ત્વની બની રહી છે કેમકે, મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ પંચાલ, પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના નેતાઓ મહારાષ્ટ્ર પહોંચ્યા છે  જ્યારે ભાજપ મહિલા મોરચાના નેતાઓએ કાશ્મીરમાં પડાવ નાંખ્યો છે.

આ પણ વાંચો: ભાજપમાં અંદરો-અંદર ઝઘડા, વડોદરામાં પૂર બાદ પાટિલ સહિત કેન્દ્રના કોઈ મંત્રી ન ફરકતાં લોકોમાં રોષ


ઋષિકેશ પટેલ-જગદીશ પંચાલ મહારાષ્ટ્ર જીતવા કામે લાગ્યાં

ભાજપે સદસ્યતા અભિયાન તો શરૂ કર્યુ સાથે સાથે કેબિનેટ મંત્રીઓ ચૂંટણી જવાબદારીના નામે મહારાષ્ટ્રમાં પહોચ્યાં છે. ચોમાસાની ઋતુમાં રોગચાળો વકર્યો છે. ત્યારે આરોગ્યમંત્રી માટે જનતાની આરોગ્યની સલામતી પ્રાથમિકતા હોવી જોઈએ તેના સ્થાને મંત્રી મહારાષ્ટ્રમાં અમરાવતીમાં ભાજપના નેતા-કાર્યકરોનો અભિપ્રાય મેળવી રહ્યા છે કે, મહારાષ્ટ્રમાં ભાજપની રાજકીય સ્થિતી કેવી છે? કઈ બેઠક જીતી શકાશે અને કઇ બેઠક ખોવાનો વારો આવશે? કઇ બેઠક પર રાજકીય જોડાણ કરવુ જોઇએ? આમ, ફ્લડ ટુરિઝમ પછી ભાજપના મંત્રીઓ ગુજરાતની જનતાને અતિવૃષ્ટિમાં રેઢી મૂકીને મહારાષ્ટ્ર જીતવાના કામે લાગ્યાં છે.

'ફ્લડ ટુરિઝમ' બાદ ભાજપના મંત્રીઓ ચૂંટણીમાં 'મસ્ત', ગુજરાતની પ્રજા હજુ પણ તકલીફોમાં વ્યસ્ત 2 - image


Google NewsGoogle News