ડુપ્લીકેટ પોલીસ, ડુપ્લીકેટ માર્કશીટ બાદ હવે વડોદરામાં ડુપ્લીકેટ FIRE NOCનું કૌભાંડ
Vadodara Police : ડુપ્લીકેટ પોલીસ, સીએમ કાર્યાલયનો ડુપ્લીકેટ અધિકારી, ડુપ્લીકેટ માર્કશીટ, ડુપ્લીકેટ ડોક્ટર અને ડુપ્લીકેટ દસ્તાવેજોના કૌભાંડમાં હવે ડુબલીકેટ ફાયર એનઓસીનું પણ કૌભાંડ ઉમેરાયું છે.
વડોદરા ફાયર બ્રિગેડના નામે આજવા રોડની ત્રણ માળની એક બિલ્ડીંગ માટે લેવાયેલું ફાયર એનઓસી ડુપ્લીકેટ હોવાનું જણાઈ આવતા અધિકારીઓ ચોકી ઉઠ્યા છે અને સમગ્ર કૌભાંડની તપાસ હાથ ધરવામાં આવી છે.
આગનો બનાવ બનતા વીજ કનેક્શન કપાવી નાખ્યું હતું
15 દિવસ પહેલા આજવા રોડ પર અશૅ કોમ્પ્લેક્સમાં શોર્ટ સર્કિટ થતા ફાયર બ્રિગેડની મદદ લીધી હતી. ફાયર બ્રિગેડે આગ કાબુમાં લીધા બાદ વીજ કંપનીની પણ મદદ લીધી હતી અને સુરક્ષાના કારણોસર વીજ કનેક્શન કપાવી નાખ્યું હતું.
FIRE NOC ડુપ્લીકેટ હોવાનું કેવી રીતે બહાર આવ્યું
એપાર્ટમેન્ટનું વીજ કનેક્શન ચાલુ કરવા માટે એપાર્ટમેન્ટ દ્વારા ફાયર બ્રિગેડને અરજી કરવામાં આવી હતી. આ અરજી માટે એનઓસી જરૂરી હોય છે. જેથી રજૂ કરાયેલું એનઓસી બોગસ હોવાનું જણાઈ આવ્યું હતું. 20 ડિસેમ્બર 2024 ના આ એનઓસી પર જુદા-જુદા બે પૂર્વ ચીફ ફાયર ઓફિસરના નામ અને સહી કરવામાં આવ્યા છે. વળી તેમાં આઉટવર્ડ નંબરની જગ્યાએ ટેન્કર ફાળવણીનો નંબર લખવામાં આવ્યો છે.
સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ થશે, પોલીસ કેસ કરીશું
સમગ્ર બનાવ અંગે ચીફ ફાયર ઓફિસર વિજય પાટિલે કહ્યું હતું કે, આ એક ખૂબ જ ગંભીર બાબત છે. જેનાથી ફાયર બ્રિગેડ અને કોર્પોરેશનની લાગતને નુકસાન થાય તેમ છે. અમે સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. જરૂર પડે આ કેસમાં પોલીસની પણ મદદ લેવામાં આવશે.