દિવાળી પછી પાંચ રાજ્યોમાં ચૂંટણીને કારણે સુરતનો કાપડનો વેપાર અટવાશે
-40 ટકાથી વધુ વેપારીવર્ગ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢનો : દિવાળી બાદના બે સપ્તાહમાં જ ચૂંટણી
સુરત
કાપડ બજારમાં બહારગામના વેપારીઓની ખરીદી પૂરી થઈ ગઈ છે. હવે કામકાજો દિવાળી પછી ધીરે-ધીરે શરૃ થશે. જોકે, નવેમ્બરમાં દિવાળી પછીના બે અઠવાડિયામાં જ અન્ય રાજ્યોમાં ચૂંટણી હોવાથી, વેપારને અસરની ભીતિ છે. ચૂંટણીને કારણે મોટી સંખ્યામાં લોકો વતન થતાં હોવાથી પણ કામકાજ અટવાશે.
બહારગામના છૂટક વેપારીઓને ત્યાં હવે દિવાળી સુધી ખરીદી રહેશે એટલે સ્થાનિક જથ્થાબંધ વેપારીઓ પાસે નહિવત્ જેવાં કામો રહેશે. દક્ષિણના રાજ્યોની ખાસ કરીને, દૂરની મંડીઓની ખરીદી ક્યારની પૂરી થઈ ગઈ છે. હવે થોડી ઘણી ખરીદી આખરની નજીકના રાજ્યોમાંથી રહેશે. પરંતુ દર વર્ષે દિવાળીના તહેવારો પૂર્વે જે વેપાર મળતો હતો તે હવે દેખાતો નથી.
કાપડ બજારમાં સામાન્ય રીતે લાભ પાંચમના મુરત પછી કામકાજ રાબેતા મુજબ શરૃ થઈ જતાં હોય છે. આ વખતે પણ જોકે એ જ પ્રમાણે થશે. પરંતુ કામકાજમાં વેગ -ગતિ આવતાં 12-15 દિવસનીકળી જશે. દિવાળી પછીના બે અઠવાડિયામાં જ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે.ચૂંટણીને કારણે પણ વેપારને આડકતરી રીતે અસર થશે.
દિવાળીની રજાઓમાં વેપારીઓ ફરવા કે વતન જતાં હોય છે. કાપડ બજાર સાથે સંકળાયેલો બહુધા વર્ગ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢનો છે. જ્યારે 35-40 ટકા વેપારી વર્ગ રાજસ્થાનનો છે. ચૂંટણીને કારણે વેપારીઓ મતદાન માટે વતન જશે, એટલે વેકેશન થોડું લાંબુ ચાલશે અને તેની અસર વેપાર ઉપર પણ આવશે.
દિવાળી પહેલાં કાપડ બજારના વેપારીઓએ જોઈએ તેટલા પ્રમાણમાં ધંધો મેળવ્યો નથી અને હવે તો દિવાળી પછી લગ્નસરાની સિઝનનો લાભ પણ મળશે કે કેમ ? તે બાબતે શંકાઓ છે. આમતો, દિવાળી પછી લગ્નસરા અને ત્યાર પછી મકરસંક્રાંતિ અને માર્ચમાં હોળી-ધુળેટીના તહેવારની ખરીદી નીકળવાની ગણતરી છે.