લો હવે! દાંતા બાદ વાવની શાળામાં પણ 2 વર્ષથી શિક્ષક ગાયબ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય રામભરોસે

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
લો હવે! દાંતા બાદ વાવની શાળામાં પણ 2 વર્ષથી શિક્ષક ગાયબ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય રામભરોસે 1 - image


Banaskantha Teacher Controversy : દાંતા તાલુકાના પાન્છા ગામની શિક્ષિકા છેલ્લા આઠ વર્ષથી અમેરિકાના શિકાગોમાં સ્થાયી થઈ છે. નવાઇની વાત તો એ છે કે શિક્ષણ વિભાગે હજુ સુધી કોઈ ઠોસ પગલાં લીધા ન હતા. સમગ્ર મામલો ચર્ચામાં આવતાં તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે આવો જ કિસ્સો વાવના ઉચપા ગામે બહાર આવ્યો છે. આ પ્રાથમિક શાળામાં પણ છેલ્લા બે વર્ષથી એક શિક્ષક શાળા દફતરે કોઈપણ જાતની જાણ કર્યા વગર રફુચક્કર થયેલ છે.

શિક્ષકની શાળામાં ગેરહાજરી મુદ્દે આચાર્ય દ્વારા અનેકવાર ઉપરી અધિકારીને રિપોર્ટ કરવા છતાં પગલા ન લેવાયા

બનાસકાંઠાના સરહદી વાવ તાલુકામાં ઉચપા પ્રાથમિક સ્કૂલ આવેલી છે. આ શાળામાં અભ્યાસ કરતા બાળકોની રજિસ્ટ્રેશન સંખ્યા 321 છે. શાળામાં કુલ 11 શિક્ષકો છે જે ધોરણ 1 થી 8 ના તમામ બાળકોને ભણાવે છે. 11 શિક્ષકો પૈકીના એક શિક્ષક, છેલ્લા બે વર્ષથી સતત કે ગેરહાજર છે.જેથી આ સ્કૂલમાં હવે એક શિક્ષકની ઘટ સાથે 10 નો સ્ટાફ કાર્યરત છે. ગત 10 -11 -2022 થી આ સ્કૂલમાં ધોરણ 1 થી 5 ના વર્ગ શિક્ષક એવા દર્શનભાઈ ચૌધરી સતત ગેરહાજર છે. ગેરહાજરી વિશે શાળાના આચાર્યને કોઈ પ્રકારનો રિપોર્ટ કરવામાં આવ્યો નથી. 

આ પણ વાંચો : બનાસકાંઠા : 8 વર્ષથી અમેરિકામાં બેઠા-બેઠા પગાર ખાતા શિક્ષિકા મુદ્દે હોબાળો, તપાસના આદેશ

જેથી આ ગંભીર બેદરકારી મામલે શાળાના આચાર્ય નિયત સમય મર્યાદામાં સેન્ટર શાળા, વાવ તાલુકા પ્રાથમિક અધિકારી, તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને આ શિક્ષકની સતત ગેરહાજરી મામલે લેખિત રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે. જોકે હજુ સુધી છેલ્લા બે વર્ષ ના સમય બાદ પણ આ શિક્ષક કેમ ગેરહાજર છે? તેને લઇને જિલ્લા શિક્ષણ અધિકારી અથવા તાલુકા શિક્ષણ અધિકારીએ તપાસ કરવાની તસદી સુદ્ધાં લીધી નથી.

ગુલ્લીબાજ શિક્ષકો અહેવાલ મંગાવવામાં આવશે

પાન્છાની ગેરહાજર શિક્ષિકાના મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું હતું કે વિદેશમાં રહેતા તમામ શિક્ષકો અને કર્મચારીઓની વિગતોનો અહેવાલ મંગાવવામાં આવશે અને તમામ શાળાઓમાં તપાસ કરવામાં આવશે. ફરજ પર ગેરહાજર રહી વિદેશમાં રહેતા જણાશે તેવા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે. બનાસકાંઠા શિક્ષણ વિભાગમાં 8 વર્ષથી ચાલી રહેલી લાલિયાવાડીની પોલ ઉઘાડી પડતાં ગુલ્લીબાજ શિક્ષકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. 



Google NewsGoogle News