મોતિયાના દર્દીઓને સભ્ય બનાવવાના મુદ્દે છૂટ્યા તપાસના આદેશ, 'ભાજપે કોઈને ટાર્ગેટ નથી આપ્યા'
BJP Gujarat: ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ થયું ત્યારથી જ વિવાદમાં છે. તેમાં પણ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે થોડા દિવસો પહેલાં બોલાવેલી ભાજપ ધારાસભ્ય-સાંસદની બેઠકમાં તમામ નેતાઓને ઠપકો આપવામાં આવ્યો હતો. જેમાં અન્ય રાજ્ય કરતાં ગુજરાતમાં ભાજપની સભ્ય નોંધણી કામગીરી એકદમ નબળી રહી તેવું કહ્યું હતું. આ સાથે પાટીલે મુખ્યમંત્રીથી માંડીને મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો તેમજ ભાજપના હોદ્દેદારો શેરી-સોસાયટીમાં ફરીને સભ્યની નોંધણી કરવા આદેશ આપ્યો હતો. જોકે, પાટીલના આ આદેશ બાદ જાણે ભાજપના કાર્યકરો ભાન ભૂલ્યા હોય તેવું વર્તન કરી રહ્યાં છે. વારંવાર ભાજપ પર લોકોને છેતરીને સભ્ય બનાવવાના છબરડા બહાર આવ્યા છે, તેમાં નેતાઓએ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તો ઠીક પણ હવે હોસ્પિટલના દર્દીઓને પણ બાકી નથી રાખ્યાં. રાજકોટમાં મોતિયાનું ઓપરેશન કરાવવા માટે આવેલાં દર્દીને તેની જાણ બહાર છેતરીને સભ્ય બનાવવાની વાત સામે આવી છે.
શું છે સમગ્ર બનાવ?
રાજકોટમાં રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટની આંખની હોસ્પિટલમાં મોતિયો ઉતરાવવા માટે દાખલ થયેલાં દર્દીને તેની જાણ બહાર ભાજપનો સભ્ય બનાવી દેવામાં આવ્યો. દર્દી પોતાની પથારીમાં સૂતો હતો ત્યારે તેને ઉઠાડીને OTP માગવામાં આવ્યો. જ્યારે ફોન જોયો તો ખબર પડી કે, તેને ભાજપનો સભ્ય બનાવી દેવાયો છે. આ સમગ્ર ઘટનાનો જૂનાગઢના એક દાખલ દર્દીએ પોતાના ફોનના કેમેરામાં કેદ કરી હતી. જેના કારણે આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો.
200 થી 250 દર્દીઓને જાણ બહાર બનાવ્યા ભાજપના સભ્ય?
વોર્ડમાં 200 થી 250 લોકોને આ પ્રકારે ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા હોવાનો દાવો દર્દીઓએ કર્યો છે. જોકે, આ વિશે રાજકોટ શહેર ભાજપ પ્રમુખે નિવેદન આપ્યું છે. મુકેશ દોશીએ કહ્યું કે, આ ઘટનાને લઈને તપાસ કરવામાં આવશે.
ભાજપે કોઈને ટાર્ગેટ નથી આપ્યાઃ મુકેશ દોશી
મુકેશ દોશીએ સમગ્ર બાબતે કહ્યું કે, 'વીડિયોમાં જે કોઈપણ વ્યક્તિ છે તેના વિશે તપાસ કરવામાં આવશે. ભાજપે કોઈને પણ આવો ટાર્ગેટ નથી આપ્યો કે, ઉંઘતા દર્દીઓને હોસ્પિટલમાં ઉઠાડીને સદસ્ય બનાવવા પડે. સમગ્ર મામલે મારા ઝોન મહામંત્રીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ પ્રકારો ઉત્સાહ અને ઉન્માદ ક્યારેય સાખી લેવામાં નહીં આવે.'
આ પહેલાં પણ બન્યો હતો આવો બનાવ
આ પહેલાં પણ આ પ્રકારના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, જ્યાં શાળાના બાળકો, વાલીઓ, શિક્ષકો તેમજ સસ્તા અનાજની દુકાને અનાજ લેવા પહોંચેલા વ્યક્તિ સહિતના લોકોને કોઈને કોઈ રીતે તેમની જાણ બહાર ભાજપના સભ્ય બનાવાતા વિવાદ થયો હતો. આ સિવાય વિસનગર સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીને ભાજપના સભ્ય બનાવી દેવાનો કિસ્સાએ પણ ભારે ચર્ચા જગાવી હતી. જેમાં સિવિલમાં ઈન્જેક્શન લેવા ગયેલા દર્દી પાસે તેમનો મોબાઈલમાં આવેલો ઓટીપી લઈ ભાજપના સભ્ય બનાવી દેવાયા હતા. દર્દીના નંબર પર ભાજપના સભ્ય બન્યાનો મેસેજ આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.