ભાવનગર યાર્ડના વેપારી પાસેથી કપાસ ખરીદ્યા બાદ રૂ. 1.02 કરોડ નહિ ચૂકવી છેતરપિંડી કરી
- 12 વર્ષથી ખરીદી કરતા હોવાથી વેપારીએ ભરોસો રાખી માલ આપ્યો
- ભાવનગર યાર્ડના વેપારી પાસેથી કપાસ ખરીદ્યા બાદ રૂ. 1.02 કરોડ નહિ ચૂકવી છેતરપિંડી કરી
Xઆ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના વિજયરાજનગરમાં શેરી નં.૦૩, પ્લોટ નં. ૮૦૨/૧ માં રહેતા અને માર્કેટિંગ યાર્ડ ચિત્રા ખાતે મહાકાળી કોટન નામની પેઢી ધરાવી કપાસની ખરીદી અને લે-વેચ કરતા વિનોદકુમાર ખીમજીભાઈ ભલાણીને ૧૨ વર્ષ પહેલા તળાજાના ગજાનન કોટન જીનના રાજુભાઈ ગોરધનભાઈ કુકડીયા (રહે. રોયલ તા. તળાજા) તથા તેમના ભાગીદારો સાથે ઓળખાણ થઈ હતી અને તેમની સાથે તેઓ કપાસનો વેપાર કરતા હતા. શરૂઆતમાં રાજુ કુકડીયા કપાસનો ઓર્ડર આપ્યા બાદ ૧૫ દિવસમાં તેનું પેમેન્ટ કરી આપતા હતા. આથી તેમની સાથે વિશ્વાસ કેળવાતા વેપાર વધાર્યો હતો.
દરમિયાનમાં, ગત તા.૪ મે, ૨૦૨૧થી તા.૨૫ એપ્રિલ, ૨૦૨૨ દરમિયાન કુલ ૨૨ વખત ગજાનંદ કોટન જીનને રૂ.૧,૭૫,૮૦,૨૫૭ ની કિંમતનો કપાસ તેમના ઓર્ડર મુજબ મોકલ્યો હતો. જે પૈકી તેમણે કટકે-કટકે રૂ.૭૩,૦૦,૦૦૦ ચૂકવી આપ્યા હતા. અને બાકી રહેતી રકમ રૂ.૧,૦૨,૮૦,૨૫૭ ની અવાર-નવાર ઉઘરાણી કરવા છતાં બાકી રકમ નહીં ચૂકવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા વિનોદકુમાર ખીમજીભાઈ ભલાણીએ ગજાનંદ કોટન જીનના ભાગીદારો રાજુ ગોરધનભાઈ કુકડીયા, નરેશ ગોરધનભાઈ કુકડીયા, કિશોર વશરામભાઈ કુકડીયા, લક્ષ્મણ શામજીભાઈ કુકડીયા, તુલસી વશરામભાઈ કુકડીયા વિરૂદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસે તમામ વિરૂદ્ધ આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.