બ્રેકઅપ થતાં જુના બોયફ્રેન્ડે કહ્યું, તારી મેટર પતાવી દેવી છે, એકલી મળીશ તો મારી નાખીશ
Vadodara : વડોદરાની એક યુવતી સાથે બ્રેકઅપ થતા રોષે ભરાયેલા બોયફ્રેન્ડ દ્વારા હેરાનગતિ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે.
યુવતીએ કહ્યું છે કે, સમા કૈલાશપતિ મહાદેવ વિસ્તારમાં રહેતા અમિત પંડ્યા સાથે મારે પ્રેમ સંબંધ થયો હતો અને લગ્ન પણ કરવાના હતા. પરંતુ અંગત કારણોસર બ્રેકઅપ થયું હતું. ત્યારબાદ મારે બીજા એક યુવક સાથે પ્રેમ સંબંધ થયો છે અને અમે બંને લગ્ન પણ કરવાના છીએ.
મારા લગ્નની જાણ જુના બોયફ્રેન્ડને થતા તેણે અવારનવાર ફોન કરી લગ્ન નહીં કરવાનું કહી પજવણી શરૂ કરી હતી. ગઈ તા 13મી એ મોડી રાતે અમિતે ફોન કરી.. તું જેની સાથે લગ્ન કરવાની છે, તેણે તને મારવા માટે રાહુલને 15000 રૂપિયાની સોપારી આપી છે.. તું ઘરની બહાર ના નીકળીશ નહીં તો તને ચપ્પુ મારી દેશે તેમ કહ્યું હતું.
ત્યારબાદ બીજા દિવસે ફરીથી તેનો ફોન આવ્યો હતો અને તું મને નવા એડ વિસ્તારમાં મળવા માટે આવો તેમ કહ્યું હતું. યુવતીએ મળવા જવાનો ઇનકાર કરતા જુનો બોયફ્રેન્ડ ઉશ્કેરાયો હતો. યુવતીએ હું મારા નવા ફ્રેન્ડ અને તેની માતાને લઈને પોલીસ સ્ટેશન આવું છું તું પણ ત્યાં આવ તેમ કહેતા જુના બોયફ્રેન્ડ અમિતે ગાળો દીધી હતી અને તારી મેટર હવે પતાવી દેવી છે... તું એકલી મળીશ તો તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. પોલીસે અંગે અમિત સામે ગુનો નોંધ્યો છે.