મર્ડર કેસમાં જામીન પર છૂટીને આરોપીએ દારૃનો ધંધો શરૃ કર્યો
ગોત્રી પોલીસ સ્ટેશનની નજીક ચાલતા દારૃના કટિંગ સમયે જ પોલીસ ત્રાટકી
વડોદરા,ગોત્રી પોલીસ સ્ટેશનની પાછળ વુડાના મકાન નજીક કારમાં વિદેશી દારૃ ભરીને ઉભેલો આરોપી કટિંગ કરી રહ્યો હતો. તે જ સમયે પીસીબી પોલીસે દરોડો પાડતા આરોપીઓમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે સ્થળ પરથી ૪૫ હજારનો દારૃ અને ત્રણ મોપેડ કબજે કર્યા છે.
અટલાદરા ખિસકોલી સર્કલ પાસે સંતોષી નગર વુડાના મકાનમાં રહેતો વિક્રમ સૂર્વે વિદેશી દારૃનો જથ્થો લાવ્યો છે. તેણે દારૃનો જથ્થો પોતાના બ્લોકના મીટર પાસે મૂકી રાખ્યો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી. જેથી, પીસીબી પી.આઇ. એસ.ડી. રાતડાની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા વિક્રમ અશોકભાઇ સૂર્વે ( રહે. સંતોષી નગર વુડાના મકાનમાં, ખિસકોલી સર્કલ પાસે) ને ઝડપી પાડી તેની પાસેથી વિદેશી દારૃની ૨૭ બોટલ કિંમત રૃપિયા ૩,૬૦૦, રોકડા ૧,૨૦૦ તથા મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૧૪,૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આરોપી રાહુલ ( રહે. લલીતા ટાવર) તથા વારસિયાના કિન્નુને વોન્ટેડ જાહેર કર્યા છે.
જ્યારે અન્ય એક બનાવમાં પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, ગોત્રી પોલીસ સ્ટેશનની પાછળ વુડાના મકાનમાં રહેતો રાજન ઉર્ફે સન્ની ઠાકોર હાલમાં ગોત્રી ગોપી પાર્ટી પ્લોટની બાજુમાં ભરવાડ વાસ તળાવ નજીકમાં કારમાં વિદેશી દારૃ ભરીને તેનું કટિંગ કરી રહ્યો છે. કેટલાક લોકો મોપેડ લઇને દારૃ લેવા માટે આવ્યા છે. જેથી,પીસીબી પી.આઇ. એસ.ડી. રાતડાની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ કરતા આરોપીઓ પોલીસને જોઇને ભાગી છૂટયા હતા. પોલીસે રાજન ઠાકોર તથા ત્રણ મોપેડના ચાલકની શોધખોળ હાથ ધરી છે. રાજન ઠાકોર સામે અગાઉ લક્ષ્મીપુરા, ગોરવા અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયા છે. પોલીસે દારૃની ૪૮ બોટલ કિંમત રૃપિયા ૪૫,૬૦૦ તથા ત્રણ મોપેડ કિંમત રૃપિયા ૧.૪૦ લાખના મળી કુલ રૃપિયા ૧.૮૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, આરોપી રાજન તાજેતરમાં જ એક મર્ડર કેસમાં જામીન પર છૂટયો હતો. ખર્ચ કાઢવા માટે તેણે દારૃનો ધંધો શરૃ કર્યો હતો.