ભાજપની હુંસાતુંસીમાં ફરી એકવાર વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેકટ ખોરંભે પાડી દેવાની પેરવીથી વિવાદ
Vadodara : વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં વિશ્વામિત્રી પ્રોજેકટ અંતર્ગત વિશ્વામિત્રી અને વરસાદી કાંસને ઊંડા કરવા અને 250થી વધુ નિચાણવાળી જગ્યાઓ પર પાણી ભરાય છે ત્યાં વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ રૂા.124 કરોડના ખર્ચેના કામો રજૂ થયા હતા. ભાજપની ભાંજગડને કારણે આ કામો મુલતવી રાખી ખાસ સભામાં વિશ્વામિત્રી પ્રોજેકટને સૈધ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ મંજૂરી આપવાનું બહાનું આગળ ધરતા ફરી એકવાર વિશ્વામિત્રી પ્રોજેક્ટ ખોરંભે ચડાવી દેવાની પેરવી શરૂ થઇ છે.
વડોદરા કોર્પોરેશનમાં વિકાસના કામો હોય કે સ્પેશ્યલ પ્રોજેકટ હોય તેની મંજૂરીના કામો સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવે છે. જોકે તે પહેલા નિર્ણય ભાજપની સંકલન સમિતિમાં થાય છે. આજે વિશ્વામિત્રી પ્રોજેકટના ટેન્ડરના કામો રજૂ થતાં ફરી એકવાર ભાજપમાં ભાંજગડ શરૂ થઇ છે. વડોદરાની હદમાં વિશ્વામિત્રી ઊંડી કરવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવનાર છે. જ્યારે શહેર હદ બહાર કામગીરી સિંચાઇ અને પીડબલ્યુડી વિભાગ કરશે. કોર્પોરેશને વિશ્વામિત્રી પ્રોજેકટ અંતર્ગત વિશ્વામિત્રી નદી 10 ફૂટ ઊંડી કરવા અને વિવિધ વરસાદી કાંસની સફાઈ અને ઊંડા કરવાની કામગીરીના ટેન્ડરો સ્થાયી સમિતિમાં રજૂ થયા હતા. પરંતુ તે મુલતવી કરાયા છે. ખાસ સમગ્ર સભામાં વિશ્વામિત્રી પ્રોજેકટની મંજૂરી બાદ 124 કરોડના કામોને મંજૂરી મળશે.
સ્પેશ્યલ પ્રોજેકટ અને બજેટમાં મંજૂરી મળી તેવા બહાના હેઠળ સ્થાયીમાં કામો મુલતવી
વડોદરા કોર્પોરેશનમાં વર્તમાન વિધાનસભાના દંડક જ્યારે મેયર હતા ત્યારે વિશ્વામિત્રી પ્રોજેકટનો પ્રારંભ થયો હતો અને તે સમયે સમગ્ર સભામાં સૈધ્ધાંતિક મંજૂરી લેવામાં આવી હતી તે સમયે વિશ્વામિત્રી પ્રોજેકટ માટે જે કોઇ કામોના ટેન્ડરો રજૂ થતાં હતા તે કામો સ્થાયી સમિતિમાં જ મંજૂર થતાં હતા. આ વખતે વિશ્વામિત્રીનો સ્પેશ્યલ પ્રોજેકટ હોવાથી કામો બજેટમાં મુક્યા નથી તેવું પણ બહાનું કાઢી આજે કામો મુલતવી કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે. સ્થાયી સમિતિ અને ભાજપની સંકલન સમિતિમાં કોર્પોરેશનના બજેટમાં મંજૂર થયા નથી તેવ ઘણા કામો પણ મંજૂર કર્યા છે. સોલિડ વેસ્ટની નવી પોલિસી હોય કે સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી હોય કે પછી ડ્રેનેજ સફાઈનો કોન્ટ્રાકટ હોય તેવા કામો તાત્કાલિક મંજૂર કર્યા છે, તો પછી વિશ્વામિત્રીના કામો કેમ મુલતવી કરાયા તે સવાલ છે.