Get The App

લાંબા સમય બાદ સુરત સિવિલ હોસ્પિટલની બહારથી દબાણ હટાવાયા, ટ્રાફિકમાં રાહત

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
લાંબા સમય બાદ સુરત સિવિલ હોસ્પિટલની બહારથી દબાણ હટાવાયા, ટ્રાફિકમાં રાહત 1 - image


Surat Civil Hospital : દક્ષિણ ગુજરાતની સૌથી મોટી એવી સુરતની સિવિલ હોસ્પિટલ મુખ્ય બહારના મુખ્ય ગેટ પર માથા ભારે દબાણ કરનારાનો કબજો હોવાના કારણે લોકોની સારવાર કરનારી સિવિલ હોસ્પિટલ દબાણની સમસ્યાથી પીડાઈ રહી છે. આ ગેટ પર માથાભારે દબાણ કરનારાઓ સાથે રીક્ષાનો પણ જમેલો હોવાથી ટ્રાફિકની ભારે સમસ્યા થતા અકસ્માતનો સતત ભય રહેલો છે. જોકે, આજે પાલિકા તંત્રની ઉંઘ ઉડી છે અને અચાનક સિવિલ ગેટ બહારથી દબાણ દુર કર્યા હતા. જેના કારણે હાલ પુરતા દબાણ દુર થયા છે તેથી ટ્રાફિક સમસ્યા હળવી થઈ છે જોકે, આ દબાણ કાયમી ધોરણે બંધ થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે. 

લાંબા સમય બાદ સુરત સિવિલ હોસ્પિટલની બહારથી દબાણ હટાવાયા, ટ્રાફિકમાં રાહત 2 - image

સુરતના મજુરાગેટ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ આવી છે અને આ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત જ નહી પરંતુ ગુજરાતની સરહદને જોડીને આવેલા રાજ્યમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પર ખાણી પીણી અને ગુટખાનું વેચાણ કરનારાનો કબજો છે. માથાભારે દબાણ કરનારાઓનો ફુટપાથ પર કબ્જો હોવાથી સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સગાઓએ અવર-જવર માટે રોડ પરથી પસાર થવું પડે છે તેથી અકસ્માતનો ભય રહેલો છે. આ ઉપરાંત આ ગેટ બહાર રીક્ષાવાળાઓનો જમેલો પણ રહે છે તેથી પણ ટ્રાફિક ભારે સમસ્યા થઈ રહી છે. 

લાંબા સમય બાદ સુરત સિવિલ હોસ્પિટલની બહારથી દબાણ હટાવાયા, ટ્રાફિકમાં રાહત 3 - image

આ દબાણ દુર કરવા માટે અનેક વખત રજુઆત થઈ છે પરંતુ આ માથાભારે દબાણ કરનારાઓ પાલિકા તંત્ર પણ ભારે પડતા હોવાથી આ દબાણ દુર થઈ શકતા નથી. પરંતુ આજે અચાનક પાલિકા તંત્રએ આ દબાણ કરનારાઓ સામે કડક કામગીરી હાથ ધરી હતી. પાલિકાએ વર્ષોથી ફુટપાથ પરથી  દબાણ દુર કરી દેવામાં આવ્યા હતા. પાલિકાની આ કામગીરીના કારણે દર્દીઓ તથા સગાંઓ સાથે સિવિલ હોસ્પિટલના સ્ટાફને પણ ભારે રાહત થઈ છે અને હાલમાં ટ્રાફિક સમસ્યા પણ હળવી થઈ છે. આ દબાણ એક બે દિવસ માટે નહી પરંતુ કાયમી દૂર થાય તેવી કામગીરી કરવા લોકો માંગણી કરી રહ્યાં છે. જોકે, આ દબાણની જેમ રીક્ષાનો જમેલો પણ દૂર થવો જોઈએ તેવી પણ માગણી કરી રહ્યાં છે.


Google NewsGoogle News