જામનગરના એક પોલીસ કર્મચારી મધ્ય પ્રદેશમાં પોલીસ જાપ્તામાંથી એકાએક લાપતા બની ગયા બાદ હેમ ખેમ મળી આવતાં પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો
જામનગરની જિલ્લા જેલમાંથી આરોપીને ઉત્તરપ્રદેશમાં લઈ ને ગયેલી પોલીસ ટુકડી પૈકીના એક પોલીસ કર્મચારી એકાએક લાપતા બની જતાં પોલીસ પરિવારમાં ચિંતા પ્રસરી હતી, અને મધ્યપ્રદેશ ના રેવા ગામમાં આ અંગે ગુમ નોંધ પણ કરાવાઈ હતી. દરમિયાન ગુમ થયેલા પોલીસ કર્મચારીનો પતો સાંપડ્યો હતો, અને એલસીબી ની ટુકડી મધ્ય પ્રદેશ જઈને તેને પરત જામનગર લાવી રહી છે, જેથી સમગ્ર પોલીસ તંત્ર એ હાશકારો અનુભવ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરની જેલમાં રહેલા મૂળ ઉત્તર પ્રદેશના વતની એવા એક આરોપીને ઉત્તર પ્રદેશ મુકવા માટે જામનગરના એક પીએસઆઇ ની આગેવાની હેઠળ પાંચ કર્મચારીઓની એક પોલીસ ટીમ ઉત્તર પ્રદેશ ગઈ હતી, અને ત્યાંથી ટીમ પરત ફરી રહી હતી.
જે દરમિયાન મધ્યપ્રદેશના રેવા ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે વાહન ઉભું રાખીને પોલીસ ટુકડી આરામ કરી રહી હતી, દરમિયાન જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર માં રહેતા કિશોરસિંહ કે. ગોહિલ નામના પોલીસ ડ્રાઇવર કર્મચારી એકાએક લાપત્તા બની ગયા હતા.
આ પોલીસ જાપતામાં સીટી એ. ડિવિઝનના એક પીએસઆઇ સહિતના પાંચ પોલીસ કર્મચારીઓની ટીમ હતી. અને ગુમ થયેલા પોલીસ કર્મચારી કિશોરસિંહ ગોહિલની અનેક સ્થળે શોધખોળ કરી હતી, પરંતુ તેનો પતો સાંપડ્યો ન હતો. ઉપરાંત તેનું પાકીટ પોલીસ ના વાહનમાં રહી ગયું હતું, પરંતુ પોતાનો મોબાઇલ ફોન સાથે લઈ ગયા હતા, અને તે મોબાઈલ પણ સ્વીચ ઓફ થયો હતો. જેથી સ્થાનિક પોલીસ મથકે આ અંગેની ગુમનોંધ પણ કરાવી હતી.
જે બનાવ અંગે જામનગરના પોલીસ અધિકારીઓને જાણ કરાઈ હતી. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ના માર્ગદર્શન હેઠળ જામનગર ની એલસીબી ની એક ટુકડી મધ્યપ્રદેશ રવાના થઈ હતી, દરમિયાન ગુમ થયેલા પોલીસ કર્મચારી કિશોરસિંહ ગોહિલ નો પતો સાંપડ્યો હતો, અને તેનેહેમ ખેમ જામનગર પરત લાવવા માટેની ટુકડી જામનગર તરફ રવાના થઈ છે. આથી જામનગરના પોલીસ બેડામાં હાશકારો અનુભવાયો છે, તેમજ ગુમ થનાર ના પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો છે. જે ટિમ જામનગર આવી ગયા બાદ કિશોરસિંહ ગોહિલ ના ગુમ થવા અંગેની સંપૂર્ણ હકીકતો જાણવા મળી શકશે.