જામનગર શહેર અને જિલ્લામાં 4 દિવસના વિરામ બાદ ફરીથી મેઘરાજાની પધરામણી : છુટોછવાયો વરસાદ

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
Jamnagar-Rain


Monsoon Season Jamnagar : જામનગર શહેર અને જિલ્લા ચાર દિવસના વિરામ બાદ ફરીથી મેઘરાજાનું આગમન થયું છે. જોકે હજુ સુધી મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી, પરંતુ આજે ફરી વરસાદી માહોલ બંધાયો હોવાથી વધુ વરસાદ પડે તેવી આશા બંધાઈ છે.

જામનગર શહેરમાં છેલ્લા ચાર દિવસના વિરામ બાદ આજે સવારથી એકાએક હવામાનમાં પલ્ટો આવ્યો હતો, અને ધીમીધારે વરસાદી ઝાપટા શરૂ થયા હતા. ક્યારેક ક્યારેક મેઘગર્જના પણ સાંભળવા મળી હતી, પરંતુ હજુ સુધી મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. જ્યારે વરસાદી વાતાવરણ બનેલું હોવાથી વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

જામનગર જિલ્લાના ધ્રોલમાં ગઈકાલે રાત્રિના આઠ વાગ્યાથી 10.00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. તે જ રીતે કાલાવડમાં પણ ગઈકાલે રાત્રિના આઠ વાગ્યાથી 12.00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જામજોધપુરમાં 6 મી.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે લાલપુરમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા.

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં ગઈકાલે ધોધમાર 30 મી.મી. વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત જોડિયા તાલુકાના બાલંભામાં 10 મી.મી., ધ્રોળ તાલુકાના જાલીયાદેવાણી ગામમાં 15 મી.મી., કાલાવડ તાલુકાના મોટા વડાળામાં 15 મી.મી., અને નવા ગામમાં 10 મી.મી., જામજોધપુર તાલુકાના જામવાડીમાં 12 મી.મી., ધૂંનડામાં 18 મી.મી. પરડવામાં 11 મી.મી. વરસાદ નોંધાયો છે.

જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવાયા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 28.5 જ્યારે મહત્તમ તાપમાન 35.0 ડિગ્રી સેન્ટિગ્રેટ નોંધાયું છે. વાતાવરણમાં ભેજ પ્રમાણ 88 ટકા રહું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 15 થી 20 કી.મી.ની જડપે રહી હતી.


Google NewsGoogle News