Get The App

ગુજરાતમાં સૌરાષ્ટ્રને ફરી ધમરોળશે મેઘરાજા, દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળશે તેવી હવામાન વિભાગની ચેતવણી

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં સૌરાષ્ટ્રને ફરી ધમરોળશે મેઘરાજા, દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળશે તેવી હવામાન વિભાગની ચેતવણી 1 - image


એક્ટીવ ચોમાસા સાથે ઉ.ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન  

અરબી સમુદ્રમાં વાદળોની જમાવટ, ગુજરાતમાં 2 સપ્તાહ સામાન્યથી અધિક વરસાદ રહેશે 

Gujarat Weather Updates :  ગુજરાતમાં હાલ ચોમાસુ સક્રિય છે અને તેની સાથે ભારે અને તોફાની વરસાદ વરસે તેવી સીસ્ટમ પણ સતત સર્જાતી રહે છે. આજે ઉતર ગુજરાત પર સમુદ્ર સપાટીથી 3.1 કિ.મી.ની ઉંચાઈએ હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન જારી રહ્યું છે અને સાથે દક્ષિણ ગુજરાતથી કેરલના કાંઠા સુધી ટ્રફ પણ છે ત્યારે હાલ ગુજરાતમાં તેમજ બે દિવસ બાદ સૌરાષ્ટ્રમાં ભારે અને વ્યાપકપણે (૭૫ ટકાથી વધુ વિસ્તારોમાં) વરસાદની ચેતવણી મૌસમ વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે. તા.૨૫ જૂલાઈ સુધી ગુજરાતમાં સામાન્યથી અધિક વરસાદનું પૂર્વાનુમાન છે અને આગામી છ દિવસ સુધી દેશભરમાં અનેક રાજ્યોમાં વ્યાપક વરસાદની આગાહી કરાઈ છે. 

દરિયો ગાંડોતૂર બન્યો છે અને સોમનાથ, જુનાગઢ, દ્વારકા, પોરબંદર અને દિવના દરિયામાં 3.3થી 4.2મીટર (13.78 ફૂટ) ઉંચા મોજા ઉછળવાનું રેડએલર્ટ અને કચ્છના દરિયામાં 2.2થી 3.3 મીટરના મોજા ઉછળવા ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. ઉપરાંત સુરત, ભરૂચ અને ભાવનગરના દરિયામાં સમુદ્રનો કરન્ટ તીવ્ર રહેશે અને પ્રતિ સેકન્ડ ૨ મીટરની ઝડપે મોજા ધસમસતા આવવાનું પૂર્વાનુમાન છે. જેના પગલે દરિયાકાંઠે ન્હાવા,બોટીંગ જેવી મનોરંજક પ્રવૃતિ નહીં કરવા તેમજ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. સૌરાષ્ટ્રના દરિયામાં પ્રતિ કલાક મહત્તમ ૬૫ કિ.મી. સુધી મીની વાવાઝોડુ ફૂંકાવાની પણ ચેતવણી અપાઈ છે. 

આજે રાજ્યમાંરાત્રે આઠ સુધીમાં 144 તાલુકાઓમાં ઝાપટાંથી માંડીને ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. આવતીકાલે સુરત, ભરૂચ, તાપી, નવસારી, વલસાડ જિલ્લા તથા દમણ પ્રદેશમાં ભારે વરસાદની અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અન્ય જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી અપાઈ છે. પરંતુ, બે-ત્રણ દિવસ બાદ વરસાદનું જોર વધશે અને તા. 16થી  18 જૂલાઈ દરમિયાન ગુજરાતભરમાં વ્યાપક વરસાદની અને ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે. 

તા. 16ના  નવસારી,વલસાડ ઉપરાંત અમરેલી, ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદનું તથા સૌરાષ્ટ્રના જુનાગઢ, સોમનાથ, બોટાદ જિલ્લા અને દિવ પ્રદેશ તથા આણંદ,વડોદરા,નર્મદા, ભરૂચ, સુરત, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ તાપી,ડાંગ જલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે.  બીજી તરફ, મૌસમ વિભાગે પખવાડિયાનું પૂર્વાનુમાન જારી કર્યું છે તે મૂજબ તા. 25 જૂલાઈ સુધી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વરસાદ નોર્મલ વરસતો હોય તેનાથી અધિક રહેશે. 



Google NewsGoogle News