10 વર્ષે નીતિન પટેલે પાટીદાર અનામત આંદોલન પાછળનું કારણ જણાવ્યું, પક્ષના નેતાઓને લીધા આડેહાથ
Nitin Patel: ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાટીદાર અનામતને લઈને મહત્ત્વનું નિવેદન આપ્યું છે. 2015માં જ્યારે પાટીદાર અનામત આંદોલન થયું ત્યારે કોઈપણ નેતાઓ દ્વારા આ વિશે કોઈ ચોક્કસ નિવેદન આપવામાં આવ્યું ન હતું. પરંતુ હવે આંદોલનના 10 વર્ષ બાદ ભાજપના નેતા દ્વારા જ આ આંદોલનનું કારણ જણાવવામાં આવ્યું છે. નીતિન પટેલે મહેસાણાના કડીમાં એક સભા દરમિયાન પાટીદાર અનામત આંદોલન પાછળનું કારણ જણાવ્યું હતું.
પાટીદાર અનામત આંદોલન કેમ થયું?
મહેસાણાના કડી તાલુકાના ડરણ ગામે દામોદર જીવરામ પટેલ નૂતન વિદ્યાલયના અમૃત મહોત્સવ અને નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પાટીદાર અનામત આંદોલનનું કારણ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, '90%, 92% અને 95% લાવતા બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને એડમિશન નહતું મળતું. એટલે વિદ્યાર્થી અને વાલીઓમાં અસંતોષ ઊભો થયો હતો. આ અસંતોષના કારણે પાટીદારોએ આંદોલન કર્યું હતું'.
આ પણ વાંચોઃ રાજકારણમાં પણ દલાલો, ભાજપનો નેતા છું કહી ઓળખાણ વધારે છે : નીતિન પટેલના નિવેદનથી ખળભળાટ
ભાજપ નેતા નીતિન પટેલે દાવો કર્યો કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નવી મેડિકલ કૉલેજો શરુ કરી હતી. હું આરોગ્યમંત્રી હતો ત્યારે મારા હસ્તક 10 જેટલી મેડિકલ કૉલેજ શરુ થઈ હતી. તેમ છતાં એડમિશન ફૂલ થઈ જતાં. હવે બધાને એડમિશન લેવા હોય અને એડમિશન ન મળે ત્યારે વિદ્યાર્થી અને માતા-પિતામાં અસંતોષ ઊભો થતો જેના કારણે આંદોલન થયું હતું. જેનો મૂળ ઉપાય નરેન્દ્ર મોદીએ કર્યો કે, દર વર્ષે 10 હજાર મેડિકલ બેઠક વધશે'.
ભાજપ પર પ્રહાર
નોંધનીય છે કે આ જ સભામાં નીતિન પટેલે ભાજપ નેતાઓ પર પણ પ્રહાર કરતાં કહ્યું હતું કે, 'રાજકારણમાં ઘણાં દલાલો થઈ ગયા છે. દલાલી કરીને અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની. ભાજપનો હોદ્દેદાર, ભાજપનો કાર્યકર અને નેતા છું એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે. આ ભાજપ સરકારે આવા દલાલોને ખૂબ જ મોટા સુખી કર્યાં. દલાલી કરતાં-કરતાં કરોડપતિ થઈ ગયા'.