કવાંટમાં વિશ્વવિખ્યાત 'ગેરનો મેળો' ભરાયો, મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં આદિવાસીઓ
Ger Mela at Kavant, Chhota Udepur : છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આદિવાસી જીવનના પરંપરાગત પહેરવેશ અને આભૂષણ સાથે-સાથે શૃંગાર, સંગીત અને નૃત્ય દ્વારા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની અભિવ્યક્તિ કરાવતાં 'ગેર મેળો' વર્ષોથી ઉજવવામાં આવે છે. હોળી બાદ ત્રીજા દિવસે આ ભવ્ય મેળાનું આયોજન થાય છે, ત્યારે આજે રવિવારે (16 માર્ચ, 2025) કવાંટ ખાતે યોજાયેલા ગેર મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી સહિત દેશ-વિદેશથી પર્યટકો મેળાનો લ્હાવો લેવા માટે આવે છે.
છોટા ઉદેપુરના કવાંટ તાલુકામાં હોળીના ત્રીજા દિવસે પરંપરાગત રીતે યોજાતા 'ગેર મેળા'ની આજે રવિવારે આનંદ ઉત્સાહભેર મેળાની ઉજવણી કરવામાં આવી છે. વિશ્વ પ્રસિદ્ધિ ધરાવતા આ મેળામાં ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, સહિત અન્ય રાજ્યોના આદિવાસી સમાજના લોકો અને દેશ-વિદેશના લોકો આવે છે અને ભાતીગત આદિવાસી સંસ્કૃતિ અદભૂત કળા, સંગીત, નૃત્યની પ્રસ્તુતિને નીહાળે છે.
ગેર મેળામાં શરીરે સફેદ માટીના ટપકા અને મોરપીંચ્છની ટોપી પહેરીને આદિવાસી નૃત્યુ કરવામાં આવે છે. આદિવાસી સમાજમાં દિવાળી કરતા પણ હોળીનું વિશેષ મહત્ત્વ છે, ત્યારે ગેર મેળામાં આદિવાસીઓ તેમના પહેરવેશ અને આભૂષણોથી સજ્જ થઈને માટલા, ઢોલ અને વાંસળીના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા.