30 લાખની લાંચ કેસમાં પકડાયેલા આરોગ્ય વિભાગના અધિક સચિવ દિનેશ પરમારને છૂટા કરાયા
Gujarat Corruption: ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યુ છે. નાયબ નિયામક સામેની તપાસનુ ફિંડલું વાળવા 30 લાખ રૂપિયાની લાંચ પ્રકરણમાં ઝડપાયેલાં આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમારને નોકરીમાંથી છૂટા કરાયા છે. એક બાજુ રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના સૂત્ર સાથે ઓપરેશન ગંગાજળનું નાટક કરી રહી છે તો બીજી બાજુ, નિવૃત અધિકારીઓને કરાર આધારિત નોકરી આપી ભ્રષ્ટાચારનો માર્ગ મોકળો બનાવી રહી છે. સરકારનો નવો મંત્ર રહ્યો છે કે, કોન્ટ્રાક્ટ પર અધિકારીને નોકરીએ રાખો, જો પકડાઈ જાય તો, હાંકી કાઢો.
બિલો પાસ કરાવવા દાન-દક્ષિણા આપવી પડે
છેલ્લાં ઘણાં વખતથી ગુજરાતમાં રાજ્ય આરોગ્ય વિભાગ ચર્ચામાં રહ્યું છે કેમકે, ખ્યાતિ કાંડમાં ખુલાસો થયો છે કે, પૈસા આપો તો, બારોબાર આયુષ્યમાન કાર્ડ પણ તૈયાર થઈ જતાં હતાં. જૂના સચિવાલયમાં બેસીને આરોગ્ય વિભાગમાં કરાર આધારિત કર્મચારીઓ ભ્રષ્ટાચાર આચરતા હતા. આ જ પ્રમાણે, હોસ્પિટલોમાં બાકી પૈસાના બિલો પાસ કરાવવા હોય તો પણ દાનદક્ષિણા આપવી પડે છે. નહીંતર બિલો પાસ થતાં જ નથી એવી ફરિયાદો ઉઠી છે.
આ પણ વાંચોઃ ગન લાઈસન્સ કૌભાંડના મુખ્ય સૂત્રધાર વિશાલ પંડ્યાએ વિહિપ માટે 4 કરોડનું દાન કર્યું હતું
એસીબીના દરોડામાં સામે આવી હકીકત
એસીબીના દરોડામાં પૂરવાર થયું છે કે, ડૉક્ટરો સામે થતી તપાસની ફાઇલ અભરાઈએ ચડાવવી હોય તો પણ પૈસા લેવાય છે. ત્યારે હવે સરકારે પ્રતિષ્ઠા સુધારવા ભ્રષ્ટ આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમારની નોકરીમાંથી હકાલપટ્ટી કરી છે. એવુ જાણવા મળ્યું છે કે, સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત ડીન ગીરીશ પરમાર આરોગ્ય અધિક સચિવના વચેટિયા તરીકે કામ કરતાં હતાં. આમ, આરોગ્ય વિભાગમાં પૈસા આપો તો ફાઈલ પાસ થઈ જાય, તપાસ પર પૂર્ણવિરામ મૂકાઈ જાય અને બિલો પણ પાસ થઈ જાય.
આ પણ વાંચોઃ આણંદ શહેરમાં ગૌવંશની કતલનું કૌભાંડ : 705 કિલો માંસ ઝડપાયું
સરકારમાં મચી દોડધામ
પહેલીવાર એસીબીના હાથે સચિવ કક્ષાના અધિકારી ચડ્યાં છે. આ જોતાં સરકારમાં દોડધામ મચી છે. જાણવા મળ્યું છે કે, લાંચ પ્રકરણ બાદ મુખ્ય સચિવે આરોગ્ય વિભાગમાં એક બેઠક બોલાવી છે.