અદાણી ગ્રૂપ જમીન-સબસિડી લે છે પણ સ્થાનિકોને રોજગારી નથી આપતું, સરકારની ચોંકાવનારી કબૂલાત
Adani Group News: વાઇબ્રન્ટ ગુજરાત પાછળ કરોડોનો ધુમાડો કરી ઉદ્યોગો માટે લાલજાજમ પાથરવામાં આવે છે. ઉદ્યોગોને મોંઘી જમીનોની ખેરાત કરી લાખો યુવાઓને રોજગારી આપવામાં આવશે તેવી ડિંગો હાંકવામાં આવે છે પણ વાસ્તવિકતા કંઈક અલગ છે.
કોર્પોરેટ ઉદ્યોગો રોજગારીના નામે સરકારને ઠેંગો દેખાડે છે
ખુદ રાજ્ય સરકારે જ કબૂલ્યું છે કે, ઉદ્યોગો 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવાના નિયમોનો ધરાર ઉલ્લંઘન કરી રહ્યાં છે તેમ છતાં ઉદ્યોગ વિભાગ મૌન ધારણ કરીને બેઠું છે. વિધાનસભામાં પણ આ વાતનો ખુલાસો થયો છે કે, કચ્છ જિલ્લામાં મુંદ્રા ખાતે અદાણી ગ્રૂપ દ્વારા સ્થાનિકોને રોજગારી જ અપાતી નથી. નિયમોનો ધરાર ઉલ્લંઘન કરવામાં આવે છે તેમ છતાંય કોઇ પગલાં લેવાતાં નથી.
એક બાજુ, ગુજરાત સરકાર ઉદ્યોગ ગૃહોને છુટા હાથે મોંઘી જમીનો ઉપરાંત કરોડો રૂપિયા સબસિડી, વેરામાફીની લ્હાણી કરી રહી છે ત્યારે બીજી બાજુ, હજારો લાખો સ્થાનિકો રોજગાર વિના ફાંફા મારી રહ્યાં છે. ઉદ્યોગોને ફરજિયાત 85 ટકા રોજગારી આપવાનું ચુસ્ત પાલન કરવા નામ પૂરતી સૂચના આપવામાં આવે છે પણ તેનું કોઇ પાલન કરતું નથી.
આ પણ વાંચો: ગુજરાત પર કેટલું દેવું? કેન્દ્ર અને રાજ્યના આંકડામાં વિરોધાભાસ હોવાનો કોંગ્રેસનો દાવો
વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્નના જવાબમાં ભાજપ સરકારની ગુજરાતના સ્થાનિક યુવાનોને અન્યાય કરતી નીતિ પોલ ખુલ્લી પડી છે. આજે ઘણાં વિસ્તારોમાં રોજગારી ન મળતાં યુવાઓને શહેરો તરફ સ્થળાંતર કરવું પડે છે. વિધાનસભામાં ખુદ સરકારે કબૂલ્યું છે કે, કચ્છ જિલ્લામાં મુદ્રા ખાતે અદાણી પાવર લિમિટેડ કંપની 85 ટકા સ્થાનિકો રોજગારી અપાતી નથી. નિયમોનુ પાલન થતું નથી ત્યારે શ્રમ રોજગાર વિભાગે માત્રને માત્ર એક પત્ર પાઠવીને દેખાડો કર્યો છે. આ ઉપરાંત સ્થાનિક રોજગારીના નિયમની જોગવાઈનો અમલ થાય માટે બેઠક યોજીને સંતોષ માન્યો છે.
ઉદ્યોગોને જમીનો-સબસિડીનો લાભ લેવોછે પણ સ્થાનિકોને રોજગારી આપવી નથી. ગૃહમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ એ સવાલ ઉઠાવ્યો કે, લધુમત વેતન અપાતું નથી. કામદારોનું ભારે શોષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે શ્રમ રોજગાર વિભાગ પાસે પૂરતો સ્ટાફ નથી તે સરકાર ભરવા માંગે છે કે કેમ?
આ મામલે મંત્રી બળવંતસિંહ રાજપૂતે સરકાર કામદારોની ચિંતા કરી રહી છે તેવી વાતો કરી ઉદ્યોગ-ફેકટરી સંચાલકોનો બચાવ કર્યો હતો. વાઈબ્રન્ટ ગુજરાત વખતે લાખો યુવાનોને રોજગારી આપીશું તેવા વચન આપનારાં કોર્પોરેટ ઉદ્યોગો આજે સરકારને જ ઠેંગો દેખાડી રહ્યાં છે. આ વાત પરથી ઉદ્યોગપતિઓ માટે કામ કરતી સરકારનો આક્ષેપ સાચો પુરવાર થઇ રહ્યો છે.