અડાજણમાં મહિલા ગેંગ ચોરી કરવા ઘૂસી, મોપેડ પર પીછો કરી બાળા સહિત બેને પકડયા
- શંકાસ્પદ હિલચાલ જણાતા રહીશોએ બુમાબુમ કરી
- રહીશોમાં બુમરાણથી મહિલા-યુવતીઓ બે રીક્ષામાં બેસી ભાગીઃ
મોપેડ પર પીછો કરી મજુરા ગેટ પાસે 10 વર્ષની બાળા સહિત બે પકડાયા
- બાળકી પકડાતા જ પેટમાં દુઃખાવાનું નાટક કરી હાથ-પગ પછાડવા લાગતા નવી સિવિલમાં ખસેડાઇ
સુરત :
અડાજણ વિસ્તારની સોસાયટીમાં મહિલાઓ અને યુવતીઓની ટોકળી સાથે ઘરમાં ચોરી કરવાના ઈરાદે ઘુસી ગઈ હતી.ત્યારે રહીશોને ખબર પડતા ટોળકીનો ત્યાંના રહીશોએ પીછો કરતા રીક્ષામાં ભાગવા લાગી હતી અને મજૂરાગેટ પાસે બાળકી બાદ મહિલાને રહીશોએ પકડી હતી. ત્યાર બાદ બાળકીએ પેટમાં દુખાવાનો નાટક કરતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ અડાજણ ખાતે અનુરાગ સોસાયટી અને આજુબાજુની સોસાયટીના ઘરોમાં આજે સવારે ચોરી કરવા આવ્યા હોય તે પ્રમાણે શંકાસ્પદ હાલતમાં મહિલા-યુવતીઓની ટોળકી ઘૂસી ગઇ હતી. સ્થાનિક રહીશોને શંકા કુશંકા જતા બુમાબુમ શરૃ કરી દીધી હતી. જેને પગલે મહિલાઓની ટોળકી સોસાયટીમાંથી ભાગી હતી. અને પ્રાઇમ આર્કેટ પાસે ચાર રસ્તા પાસેથી બે અલગ-અલગ રીક્ષામાં ફરાર થઇ હતી. જોકે, સોસાયટીના રહીશોએ મોપેડ લઇને એક રીક્ષાનો પીછો કર્યો હતો. અને છેક મજુરાગેટ સુધી રીક્ષાનો પીછો કરી સિગ્નલ પાસે રિક્ષાને રોકી લીધી હતી.
રીક્ષા આંતરી લેવાતા તેમાંથી બે યુવતી ફટાફટ ઉતરીને ભાગી ગઇ હતી. જ્યારે 10 વર્ષની બાળકી પકડી લીધી હતી. બાદમાં ત્યાં ટોળકી સાથેની એક મહિલા પણ ત્યાં આવી પહોચતા તેને પકડી લેવાઇ હતી. પોલીસને કોલ કરવામાં આવતા પકડાયેલી બાળકીને પેટમાં દુઃખતું હોવાની ફરિયાદ કરીને હાથ-પગ પછાડવાનું શરૃ કરી દીધું હતું. દેખીતી રીતે આ નાટક જણાતું હતું પણ 108 એમ્બ્યુલન્સને બોલાવી તેમાં બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારે તેની સાથે મહિલા પણ હતી એમ સ્થાનિક રહીેશે જણાવ્યું હતું.