જાણીતા એક્ટિવિસ્ટ પી. વી. મૂરજાણી આપઘાત કેસ: સુસાઇડ નોટ જાહેર થતાં માનીતી દીકરીના ઘરે તાળા
Purshottam Moorjani Suicide Case : કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી. વી. મૂરજાણીના આપઘાતના પગલે પોલીસ દોડતી થઈ ગઈ છે. આપઘાતની પાછળ તેમની માનીતી દીકરી અને દીકરીની માતાની સંડોવણી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ માતા-પુત્રી ઘર બંધ કરીને રવાના થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરામાં વર્ષોથી જાગૃત નાગરિક નામની સંસ્થા ચલાવતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પુરુષોત્તમ મૂરજાણીએ ગઈકાલે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી જાતે લમણા પર ગોળી મારી જીવન ટૂંકાવી દીધું હતું. તેમના મોબાઇલ પરથી રાત્રે તેમના મિત્ર વર્તુળો અને સંબંધીઓના વોટ્સએપ પર તેમની સુસાઇડ નોટ ફોરવર્ડ થઈ હતી. જેમાં તેમની માનીતી દીકરી કોમલ તથા કોમલની માતા સંગીતાબહેન દ્વારા તેમને સતત ટોર્ચર કરીને બ્લેકમેલ કરવામાં આવતા હતા અને બળાત્કારની ફરિયાદ નોંધાવવાની ધમકી આપવામાં આવી હતી.
સુસાઇડ નોટના પગલે પોલીસની ટીમ માતા દીકરીને શોધવા માટે તેમના વાઘોડિયા રોડ પર આવેલા ફ્લેટ પર ગઈ હતી. પરંતુ ફ્લેટ બંધ હતો કોમલના મોબાઇલ ડિટેલની ચકાસણી કરતાં કોમલનું લોકેશન છેલ્લે અમદાવાદ હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પોલીસ દ્વારા મૃતકની ડેડ બોડી સયાજી હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતના જાણીતા એક્ટિવિસ્ટ પી.વી. મૂરજાણીએ કર્યો આપઘાત, અંતિમ પત્ર વાંચશો તો રૂવાડાં ઉભા થઇ જશે
શું છે સમગ્ર ઘટના?
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વાઘોડિયા રોડ ડી માર્ટ પાસે નારાયણ બંગલોમાં રહેતા પુરુષોત્તમ મૂરજાણી વડોદરામાં ગ્રાહક સુરક્ષાની સંસ્થા વર્ષોથી ચલાવતા હતા. કારેલીબાગ સંગમ ચાર રસ્તા પાસે જાગૃત નાગરિક નામની સંસ્થા ચલાવતા પી. વી. મૂરજાણી આજે સાંજે ઘરે હતા. તેમના પત્ની મંદિરે ગયા હતા. તેમના પત્ની મંદિરેથી પરત ઘરે આવ્યા હતા. લાંબો સમય થવા છતાંય તેઓ ઉપરના માળેથી નીચે નહીં આવતા તેમના પત્ની ઉપરના માળે જોવા ગયા હતા. ઉપર જઈને જોયું તો તેમના પતિ પી. વી. મૂરજાણી લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડેલા હતા. તેઓએ બૂમાબૂમ કરતાં લોકો દોડી આવ્યા હતા.
બનાવની જાણ પાણીગેટ પોલીસને કરવામાં આવતાં પી.આઇ. એચ. એમ. વ્યાસ ઘટના સ્થળે દોડી ગયા હતા. પી. વી. મૂરજાણીએ પોતાની જ રિવોલ્વરમાંથી જાતે ફાયરિંગ કરી જીવન ટૂંકાવી દીધું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. જો કે, પી. વી. મૂરજાણીના મોતનું સાચું કારણ જાણવા માટે એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી હતી. પોલીસને ઘટના સ્થળેથી કોઈ અંતિમ ચિઠ્ઠી મળી નહતી.
જો કે રાતે 9:52 કલાકે તેમના મોબાઇલના વોટ્સએપ પરથી તેમના મિત્ર વર્તૃળમાં અંતિમ ચિઠ્ઠીનો મેસેજ ગયો હતો. જે મેસેજમાં તેમણે માનીતી દીકરી અને દીકરીની માતાના બ્લેકમેઇલિંગથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
આ મેસેજમાં એવું પણ લખ્યું હતું કે, લાભપાંચમના દિવેસ મર્સિડિઝ ખરીદી હતી. તે સમયે માનીતી દીકરી કોમલને લઈ જઈ ફોટા પડાવ્યા હતા. તે પછી કારમાં તેમણે પોતાની પત્નીને બેસાડ્યા હતા. તે વાત પર માનીતી દીકરી કોમલે બહુ મોટી બબાલ કરી હતી અને ગાળાગાળી કરી ધમકી આપી હતી કે, તમે તમારા પત્નીને કેમ કારમાં બેસાડી? હું કારની સીટો ફાડી નાંખીશ ક્યાં તો મર્સિડિઝ તોડી નાંખીશ. આવા તો ઘણા કિસ્સા મૂરજાણીએ પોતાની સ્યૂસાઇડ નોટમાં લખ્યા છે.