Get The App

વિશ્વામિત્રી નદી કિનારાના ગેરકાયદે બાંધકામો અંગે નોટિસ આપી કાર્યવાહી શરૂ કરાશે

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
વિશ્વામિત્રી નદી કિનારાના ગેરકાયદે બાંધકામો અંગે નોટિસ આપી કાર્યવાહી શરૂ કરાશે 1 - image


Vadodara Corporation : વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પર કોર્પોરેશન દ્વારા ખાનગી કંપની પાસે નદી કાંઠાના બાંધકામ અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો. જેનો અહેવાલ તાજેતરમાં મ્યુનિ.કમિશનર દિલીપ રાણાને સુપ્રત કર્યો છે. હવે કોર્પોરેશન વિશ્વામિત્રી નદી કાંઠા વિસ્તારમાં ગેરકાયદે વસાહતો હોય કે ગેરકાયદે બાંધકામ તમામને નોટિસ આપવામાં આવશે. સાથે-સાથે જે પરવાનગી આપવામાં આવી છે તેઓને પણ સમજાવીને નદીનો પટ ખુલ્લો કરાવવામાં પ્રયત્ન કરાશે.

વિશ્વામિત્રી નદીના રીવરફ્રન્ટ પ્રોજેકટ માટે 2005 થી કામગીરી શરૂ થઇ હતી. કોર્પોરેશન હાલમાં મેપિંગની કામગીરી કરવામાં આવી રહી છે. કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી થયેલી કામગીરી બાદ રાજ્ય સરકાર દ્વારા રૂા.1200 કરોડનો પ્રોજેકટ ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે જેના આધારે ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી છે. વિશ્વામિત્રી પ્રોજેકટને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા ખાનગી કંપનીને સર્વે કરવાની કામગીરીની જવાબદારી  સોંપવામાં આવી હતી. તાજેતરમાં ખાનગીના કર્મચારીઓની અલગ અલગ ટીમોએ હરણીથી લઇ મુજમહુડા સુધી સર્વે કર્યો હતો. ખાનગી કંપનીએ ગુગલથી પણ વિશ્વામિત્રી નદીની આસપાસના તમામ વિસ્તારનું મેપિંગ કર્યું હતું. ખાનગી કંપનીએ વિશ્વામિત્રી નદીની આસપાસનું મેપિંગ અને સર્વે કર્યા બાદ હવે મ્યુનિ.કમિશનર આવતીકાલે એક બેઠક યોજી આગળની પ્રક્રિયા અંગે ચર્ચા વિચારણા કરી ગેરકાયદે બાંધકામો અને વસાહતોને નોટિસ આપવાની કાર્યવાહી કરશે. જ્યારે કોર્પોરેશન દ્વારા જીડીસીઆરના નિયમ પ્રમાણે જેઓને બાંધકામ પરવાનગી આપવામાં આવી છે તેઓને પણ સમજાવી નદી કાંઠાનું દબાણ હટાવવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવશે.

સરકારે જીડીસીઆરના નિયમોમાં ફેરફાર કર્યા પરંતુ વિશ્વામિત્રી નદીની આસપાસની જમીનો પરથી પ્રતિબંધિત ઝોન ઉઠાવી લીધા

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની આસપાસની જમીન પર બાંધકામ પરવાનગી અંગેના નિર્ણયોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેને કારણે કોર્પોરેશન દ્વારા બાંધકામ પરવાનગી આપી દેવામાં આવે છે. વર્ષ 1994માં રાજ્ય સરકારે બાંધકામ પરવાનગી અંગે જીડીસીઆરના નિયમો બનાવ્યા હતા. જેમાં વિશ્વામિત્રી નદી કિનારાથી માત્ર 6 થી 9 મીટર જગ્યા છોડીને બાંધકામ પરવાનગી આપવામાં આવશે તેવી જોગવાઇ કરવામાં આવી

 હતી. વર્ષ 2017માં નવો જીડીસીઆર બન્યો ત્યારે તેમાં નદી કિનારાથી 30 મીટર જગ્યા છોડ્યા બાદ બાંધકામ પરવાનગી આપી શકાય તેવો ફેરફાર કરવામાં આવ્યો છે. જે આજે પણ અમલમાં છે. અગાઉ વિશ્વામિત્રી નદી કિનારે 6 થી 9 મીટર વિસ્તાર ખુલ્લો છોડવાનો નિયમ હતો. પરંતુ નદીના પટ વિસ્તારમાં માત્ર ખેતી થતી હતી અને મોટાભાગની 100 થી 200 મીટર સુધીની જમીનો પ્રતિબંધિત ઝોનમાં હતી. ત્યારબાદ વુડાએ અને રાજ્ય સરકારે અનેક વિસ્તારોમાં પ્રતિબંધિત ઝોન ઉઠાવી લેતા હરણીથી મુજમહુડા સુધી નદી કિનારે બાંધકામો થવા લાગ્યા છે. જ્યારે 6 થી 9 મીટર જગ્યા છોડવાનો નિયમ હતો ત્યારે કારેલીબાગ, સયાજીગંજ વિસ્તારમાં નદી કિનારે અનેક સોસાયટીઓ બંધાઇ ગઇ છે.


Google NewsGoogle News