વડોદરા જિ.પંચાયતની કરોડોની ખુલ્લી મિલકતો ફેન્સિંગ કરવા એક સપ્તાહમાં કાર્યવાહી
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની ખુલ્લી પડી રહેલી કિંમતી મિલકતોની જાળવણીના મુદ્દે વારંવાર ઉગ્ર રજૂઆતો થયા બાદ આખરે પંચાયતે એક સપ્તાહમાં મિલકતોનો રિપોર્ટ તૈયાર કરવા અને ત્યારબાદ ફેન્સિંગનું કામ કરવા નિર્ણય લીધો છે.
વડોદરા જિલ્લા પંચાયતની પ્રિબજેટની આજે મળેલી મીટિંગમાં બજેટની સાથે સાથે કેટલાક મુદ્દાઓની ચર્ચા પણ કરવામાં આવી હતી.જેમાં કરોડોની કિંમતની રેઢી પડી રહેલી મિલકતો પર દબાણો થઇ જાય કે ખાનગી વ્યક્તિ દ્વારા ઉપયોગ થાય તે પહેલાં તેના પર ફેન્સિંગ કરવાના મુદ્દે એક સપ્તાહમાં તમામ મિલકતોનો સર્વે કરી ખર્ચનો અંદાજ કાઢવામાં આવે તેમ નક્કી કરાયું હતું.નોંધનીય છે કે,હરણીની જમીનનો ખાનગી વ્યક્તિ દ્વારા ઉપયોગના મુદ્દે તેમજ પૂર્વ વિસ્તારની જમીન પર દબાણ થયા હોવાના મુદ્દે અગાઉ ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.
તો બીજીતરફ વડોદરા તાલુકા પંચાયતપાસે હજી સુધી પોતાનું ભવન નહિ હોવાથી અને જિલ્લા પંચાયતને પણ ભાડું નહિ ચૂકવાતું હોવાથી જિલ્લા પંચાયતે રાજ્ય સરકારમાં રજૂઆત કરી વડોદરા તાલુકા પંચાયતની પોતાની કચેરી બને તે માટે મદદરૃપ થવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી.
આ ઉપરાંત બજેટમાં બાંધકામ,શિક્ષણ અને ખેતીવાડી ક્ષેત્રે નવી યોજના કઇ લાવી શકાય તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.