શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ અને ગંદકી ફેલાવતા 70 આસામી સામે કાર્યવાહી
અંદાજીત ૩૪.રપ૦ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરીને કુલ રૂ. ર૪,૯પ૦ નો દંડ વસુલ્યો
ડસ્ટબીન નહી રાખી ગંદકી ફેલાવતા કુલ ૧૮ આસામી પાસેથી કુલ રૂ. ૬,પ૦૦ નો દંડ લેવાયો ઃ મનપાની કાર્યવાહીના પગલે આસામીઓમાં ફફડાટ
ભાવનગર શહેરમાં પ્રતિબંધીત પ્લાસ્ટીકનો વપરાશ ઘટે તે માટે ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજે ગુરૂવારે શહેરના વિવિધ વોર્ડમાં સઘન ડ્રાઇવનું આયોજન કરી પ્રતિબંધીક પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા કુલ પ૩ આસામી પાસેથી અંદાજીત ૩૪.રપ૦ કિલોગ્રામ પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કરીને કુલ રૂ. ર૪,૯પ૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડસ્ટબીન નહી રાખતા અને કચરો જયાં ત્યાં ફેકીને અને થુંકીને ગંદકી ફેલાવતા કુલ ૧૭ આસામીને દંડીત કરીને કુલ રૂ. ૬પ૦૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આમ, આજરોજ કુલ ૭૦ આસામીઓ પાસેથી કુલ રૂ. ૩૧,૪પ૦/- નો દંડ વસુલવામાં આવ્યો હતો. મહાપાલિકાની ટીમની કાર્યવાહીના પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો અને કેટલાક વેપારીઓ કચવાટ કરતા નજરે પડયા હતાં.
શહેરીજનોને શહેરની સ્વચ્છતા જાળવવા અને શહેરમાં પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ નહી કરીને કાપડની થેલી/ઇકો ફ્રેન્ડલી/બાયોડીગ્રેડેબલ બેગનો ઉપયોગ કરવા તેમજ કચરો ગમે તે જગ્યાએ નહી નાખીને ડસ્ટબીન તેમજ ટેમ્પલ બેલમાં જ નાખવા માટે મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. મહાપાલિકાની કાર્યવાહી વચ્ચે પણ પ્રતિબંધીત વપરાશ યથાવત છે ત્યારે પરિણામલક્ષી કામગીરી કરવી જોઈએ તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે.