૧૫૦ જેટલા અધ્યાપકોના પ્રમોશન માટે એક્શન પ્લાન તૈયાર કરાયો
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી અધ્યાપકોને બઢતી મળી નથી.જેને લઈને અધ્યાપકોમાં ભારે રોષ પણ છે.યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ અધ્યાપકોના પ્રમોશન માટેના ઈન્ટરવ્યૂને આગળ ધપાવવા માટે ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલને સત્તા આપી છે.
પ્રો.પટેલે કહ્યું હતું કે, અધ્યાપકોની બઢતીને પ્રાથમિકતા આપવામાં આવશે.લગભગ ૧૫૦ જેટલા અધ્યાપકોના પ્રમોશન માટેના ઈન્ટરવ્યૂ બાકી છે.આ માટે એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.પ્રમોશન માટે અધ્યાપકોની અરજીઓની ચકાસણી થઈ રહી છે અને બહુ જલ્દી ઈન્ટરવ્યૂનું શિડયુલ જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવના કાર્યકાળમાં બે મહિના પહેલા પ્રમોશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી.ગણતરીના વિભાગોના કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ ઈન્ટરવ્યૂ થયા બાદ શૈક્ષણિક લાયકાતના મુદ્દે તેમને રાજીનામુ આપવું પડયું હોવાથી ઈન્ટરવ્યૂ ફરી અટકી ગયા છે ત્યારે અધ્યાપકોને આ ઈન્ટરવ્યૂ ફરી વિલંબમાં પડશે તેવી બીક છે.
પ્રો.ધનેશ પટેલે એક સવાલના જવાબમાં એમ પણ કહ્યું હતું કે, હંગામી કર્મચારીઓના આઉટસોર્સિંગની નીતિ પર પણ હાલમાં બ્રેક મારવામાં આવી છે.તેના પર પુનઃ વિચારણા કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, ડો.શ્રીવાસ્તવે વાઈસ ચાન્સેલર તરીકેના કાર્યકાળ દરમિયાન હંગામી કર્મચારીઓની કામગીરીનું આઉટસોર્સિંગ કર્યું હતું અને આ માટેનો કોન્ટ્રાક્ટ પણ એજન્સીને આપી દીધો હતો.અત્યાર સુધીમાં ૩૦૦ જેટલા હંગામી કર્મચારીઓને આઉટસોર્સિંગની એજન્સીમાં ટ્રાન્સફર પણ કરી દેવાયા છે.બીજા ૪૦૦ થી ૫૦૦ કર્મચારીઓને ટ્રાન્સફર કરવાના બાકી છે ત્યારે ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરની જાહેરાતથી આ કર્મચારીઓને રાહત મળશે.