અડાજણ, પાલ અને રાંદેર પોલીસ એકશનમાં : POPની પાંચ અને માટીની 9 ફૂટથી વધુ ઉંચાઇની મૂર્તિની સ્થાપના કરનાર 8 આયોજકો વિરૂધ્ધ કાર્યવાહી

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
અડાજણ, પાલ અને રાંદેર પોલીસ એકશનમાં : POPની પાંચ અને માટીની 9 ફૂટથી વધુ ઉંચાઇની મૂર્તિની સ્થાપના કરનાર 8 આયોજકો વિરૂધ્ધ કાર્યવાહી 1 - image



- અડાજણમાં નિવૃત પોલીસના પુત્ર સહિત પાંચ, પાલમાં બે અને રાંદેરમાં એક આયોજકની ધરપકડની તજવીજઃ 11 ફૂટથી લઇ 16 ફૂટ સુધીની મૂર્તિની સ્થાપના કરી હતી

સુરત

ગણેશોત્સવ દરમિયાન પીઓપીની 5 ફૂટ અને માટીની 9 ફૂટથી વધુ ઉંચાઇની મૂર્તિઓની સ્થાપના કરવા ઉપર પ્રતિબંધ હોવા છતા કાયદાની ઉપરવટ જઇ વધુ ઉંચાઇની વિધ્નહર્તાની મૂર્તિની સ્થાપના કરનાર આયોજકોને નોટીસ ફટકાર્યા બાદ રાંદેર, અડાજણ અને પાલ પોલીસે 8 આયોજકો વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

મુંબઇ બાદ સુરતમાં ગણેશોત્સવની રંગેચંગે ઉજવણી થાય છે પરંતુ સુરતમાં સ્થાપિત વિધ્નહર્તાની મૂર્તિનું નદી અને તળાવમાં વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ છે. મૂર્તિ બનવવા માટે કેમિકલયુક્ત કલરનો ઉપયોગ થતો હોવાથી તેનાથી પાણીજન્ય જીવ અને મનુષ્યને પણ હાનિ પહોંચી શકે છે. જેથી પર્યાવરણને ધ્યાનમાં લઇ 5 ફૂટથી વધારે ઉંચાઇની પીઓપી અને ફાયબરની મૂર્તિ અને 9 ફૂટથી વધુ ઉંચાઇની માટીની મૂર્તિ બનાવવા અને સ્થાપના કરવા ઉપર પ્રતિબંધ મૂકયો હતો. તેમ છતા કેટલાક ગણેશ આયોજકો દ્વારા કાયદાની ઉપરવટ જઇ પીઓપની 5 ફૂટ અને માટીની 9 ફૂટથી વધુ ઉંચાઇની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતા. આ આયોજકોને બે દિવસ અગાઉ પોલીસે નોટીસ ફટકાર્યા બાદ ગત મોડી રાતથી જાહેરનામા ભંગનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. જે અંતર્ગત અડાજણ પોલીસે નિવૃત પોલીસકર્મીના પુત્ર સહિત 5, પાલ પોલીસે 2 અને રાંદેર પોલીસે 1 ગુનો નોંધી ગણેશ આયોજકની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

આ આયોજકો વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો

અડાજણ પોલીસે એલ.પી. સવાણી સર્કલ નજીક 18 ફૂટની પીઓપીની મૂર્તિ સ્થાપના કરનાર હર્ષ ઉમેશ માલી (રહે. પંચરત્ન સોસાયટી, આનંદ મહલ રોડ, અડાજણ), નિશાલ સર્કલ નજીક વૈશાલી રો હાઉસ પાસે 11 ફૂટની પીઓપીની મૂર્તિની સ્થાપના કરનાર જૈમીન મહેશ આહીર (રહે. શાંતિકુંજ સોસાયટી, પાલનપુર જકાતનાકા), અડાજણના ભગવાન મહોલ્લામાં 11 ફૂટની પીઓપની મૂર્તિની સ્થાપના કરનાર સુનીલ ચીમન રાઠોડ (રહે. ભગવાન મહોલ્લા, અડાજણ, અડાજણના સાંઇલીલા રો હાઉસ નજીક 11 ફૂટની પીઓપીની મૂર્તિની સ્થાપના કરનાર કરણ જીતેશ મોદી (રહે. સાંઇ ક્રિષ્ણા રો હાઉસ, અડાજણ), પાલનપુર પાટિયા વૈભવનગરમાં 11 ફૂટની મૂર્તિ સ્થાપિત કરનાર નિવૃત પોલીસકર્મીના પુત્ર જય મહેન્દ્ર બોરસે (રહે. ભાગ્યોદય સોસાયટી, પાલનપુર પાટિયા), રાંદેર પોલીસે મોરાભાગળની વીર સાવરકર હાઇટ્સમાં દમણ ગંગા બિલ્ડીંગમાં 13.5 ફૂટની પીઓપીની મૂર્તિની સ્થાપના કરનાર યોગેશ સન્મુખ હજારીવાલા અને પાલ પોલીસે ગૌરવ પથ પર મોનાર્ક સર્કલ નજીક 14 ફૂટની પીઓપીની મૂર્તિ સ્થાપના કરનાર દિશાંત ભરત મીસ્ત્રી (રહે. આવકાર સોસાયટી, રામનગર) અને પાલ લેક ગાર્ડન પાણીની ટાંકી પાસે 16 ફૂટની મૂર્તિની સ્થાપના કરનાર આકાશ કપુરભાઇ પુરોહિત (રહે. સોહમ રેસીડન્સી, પાલ)


વિસર્જન બાદ બે દિવસમાં મંડપો દૂર કરવાના જાહેરનામાનો પણ ભંગ

અડાજણ, પાલ અને રાંદેર પોલીસ એકશનમાં : POPની પાંચ અને માટીની 9 ફૂટથી વધુ ઉંચાઇની મૂર્તિની સ્થાપના કરનાર 8 આયોજકો વિરૂધ્ધ કાર્યવાહી 2 - image

પર્યાવરણની સાથે વિસર્જન યાત્રા દરમિયાન ટ્રાફિક જામ નહીં થાય તે હેતુથી ચૌક્કસ ઉંચાઇની મૂર્તિની સ્થાપનાની અપીલ કરવામાં આવી હતી. પરંતુ મૂર્તિની હાઇટમાં કાયદાની ઉપરવટ જનાર ગણેશ આયોજકો દ્વારા વિસર્જનના બે દિવસમાં મંડપો દૂર કરવાના જાહેરનામાનો પણ ભંગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં શહેરના જુદા-જુદા વિસ્તારના રસ્તા પર ગણેશજીની સ્થાપના માટે બનાવવામાં આવેલા મંડપો પૈકી 40 ટકાથી વધુ હજી જૈસે થે સ્થિતીમાં જ છે. જેથી બે દિવસમાં મંડપ દૂર કરવાના જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ પણ કાર્યવાહી કરવી જરૂરી છે.


Google NewsGoogle News