મહિલા ઉપર એસીડ એટેક, ૨૫ ટકા ચહેરો દાઝી ગયો
રાજકોટ નજીકનાં સોખડા ગામની ચોંકાવનારી અને ગંભીર ઘટના
મંગેતરે પ્રેમી સાથે લગ્ન કરી લેતા તેની ભાળ મેળવવા માટે
સોખડાના શખ્સે તેની પિતરાઈ બહેન ઉપર એસીડ છાટયું
રાજકોટ : રાજકોટ નજીકનાં સોખડા ગામે રહેતા વર્ષાબેન માધવભાઈ ગોરીયા (ઉ.વ.૩૪) ઉપર ગામમાં જ રહેતા તેની પિતરાઈ બહેનના મંગેતર પ્રકાશ પ્રવિણભાઈ સરવૈયાએ એસીડ એટેક કર્યો હતો. જેને કારણે વર્ષાબેનનો ૨૫ ટકા ચહેરો અને શરીરનાં બીજા ભાગો દાઝી ગયા હતાં. કુવાડવા રોડ પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લઈ તપાસ જારી રાખી છે.
ખાનગી હોસ્પિટલમાં દાખલ વર્ષાબેને પોલીસને જણાવ્યું કે, તેને સંતાનમાં
બાર વર્ષની પુત્ર અને દસ વર્ષનો પુત્ર છે. તેનું માવતર વાંકાનેર તાલુકાનાં જડેશ્વર
કોઠારીયા ગામે છે. તેના સગા કાકા જેરામભાઈ મનજીભાઈ મકવાણાની પુત્રી પારસની સગાઈ
તેના ગામનાં અને તેની જ જ્ઞાાતીનાં પ્રકાશ સાથે એકાદ વર્ષ પહેલાં થઈ હતી. જે સગાઈ
તેણે જ કરાવી હતી.
સગાઈનાં બે માસ બાદ પારસે બીજા યુવાન સાથે પ્રેમલગ્ન કરી લીધા
હતાં. જેથી પ્રકાશ અવારનવાર તેના ઘરે આવી પારસ
કયાં જતી રહી છે તે મને કહેતા નથી અને તેને
ગોતી લાવતા નથી, મને સરનામું
આપો એટલે હું તેને ગોતી લાવીશ તેમ કહી માથાકુટ કરતો હતો. દર વખતે તે પારસે હવે બીજા
લગ્ન કરી લીધાનું એટલે તેને ગોતીને શું કરશો તેમ પ્રકાશને કહેતી હતી.
ગઈકાલે સાંજે સવા ચારેક વાગ્યાની આસપાસ તે ઘરે હતી ત્યારે
પ્રકાશ સ્ટીલની બરણી લઈને તેની પાસે આવ્યો હતો. આવીને તેને ફરીથી કહ્યું કે, તમે પારસને કેમ
ગોતીને લાવતા નથી, કયાં ગઈ
છે તે પણ કહેતા નથી, તેનું
સરનામું પણ આપતા નથી. આ વાત સાંભળી અને તેણે ફરીથી પ્રકાશને કહ્યું કે, પારસે બીજા લગ્ન
કરી લીધા છે. હવે તમે તેને ગોતીને શું કરશો.
આ વાત સાંભળી પ્રકાશ ઉશ્કેરાયો હતો અને સાથે લાવેલી સ્ટીલની
બરણીનું ઢાકણું ખોલી તેનું પ્રવાહી (એસીડ)તેની ઉપર ફેંકતા તેને ખુંબજ બળતરા થવા
લાગી હતી. ગંધ પરથી પ્રવાહી એસીડ હોવાની ખાતરી થઈ હતી. ખુબજ બળતરા થતી હોવાથી
બુમાબુમ કરતાં તેની પુત્રીએ આવી પાણી છાંટયું હતું.
તે વખતે તેના સગા જેઠાણી ગીતાબેન રમેશભાઈ ગોરીયા અને
પાડોશીઓ પણ દોડી આવ્યા હતાં. તે સાથે જ પ્રકાશ ભાગી ગયો હતો. તેના પતિ અને જેઠને
જાણ થતાં તેઓ પણ દોડી આવ્યા હતાં અને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જયાં જઈ
કુવાડવા રોડ પોલીસે આરોપી પ્રકાશ સામેની ફરિયાદ નોંધી આજે તેને ઝડપી લીધો હતો.
પરિવારજનોએ જણાવ્યું કે, વર્ષાબેનનો ૨૫ ટકા ચહેરો દાઝી ગયો છે. સદનસીબે બન્ને આખોમાં
નુકશાની થઈ નથી. આ ઉપરાંત માથા,
છાતી, પેટ, ડાબા પગનાં સાથળ
અને વાંસાના ભાગે પણ દાઝી ગયા છે.