નિંદ્રાધીન પત્ની અને પાટલા સાસુ પર પતિ, દિયર સહિતનાઓનો એસિડ એટેક
વંથલી તાલુકાના ધંધુસરની સીમના બનાવમાં ગૃહક્લેશને કારણે કરાયેલા નિર્દયી કૃત્યથી બંને બહેનો મોં તથા હાથના ભાગે ગંભીર રીતના દાઝી ગઈ, એક આંખે દેખાતું બંધ થઈ ગયું
જૂનાગઢ, : વંથલી તાલુકાના ધંધસુસરની સીમમાં પિતાએ ભાગીયું રાખેલા આંબાના બગીચામાં આવેલા ઓરડીમાં નિંદ્રાધીન પત્ની તથા પાટલા સાસુ પર પતિ તથા દિયર સહિતનાઓએ બારીમાંથી એસિડ એટેક કર્યો હતો. બાદમાં આ શખ્સો નાસી ગયા હતા. બંને બહેનોને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાઈ હતી. આ બનાવ અંગે વંથલી પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.
જૂનાગઢમાં ટીંબાવાડી વિસ્તારમાં સેજલબેનના લગ્ન માણાવદરના અમીત નાથા મકવાણા સાથે થયા હતા. દોઢેક માસ પહેલા સેજલબેનના પતિએ તેના પર ખોટી શંકાકુશંકા કરી માર માર્યો હતો. ત્યારે તેના પતિએ ટ્રક પર લોન લીધી હતી. તેમાં તેના ભાઈ જામીન ન પડતા અમીતે તેની પત્ની સેજલબેનને કુટુંબી ભાઈ પર ખોટો કેસ કરવા કહ્યું હતું પરંતુ સેજલબેને ના પાડતા અમીતે સેજલબેનને માર મારી હાથ-પગમાં ફેક્ચર કરી દીધુ હતું. દવાખાનામાંથી ડિસ્ચાર્જ થયા બાદ સેજલબેન તેના પિતાએ ધંધુસુરની સીમમાં રાખેલા બગીચા ખાતેની ઓરડીમાં રહેતા હતા. ગઈકાલે તેના બહેન હેતલબેન ખબર કાઢવા આવ્યા હતા.
રાત્રીના તેઓ ઉંઘી રહ્યા હતા તે દરમ્યાન સેજલબેનના પતિ અમીત નાથા મકવાણા, દિયર કિસન નાથા મકવાણા તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ ત્યાં આવીને ઓરડીનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો અને બારીમાંથી એસિડની બોટલ સેજલબેન અને તેના બહેન હેતલબેન પર ફેંકી હતી. બંનેના મોઢા પર એસિડ પડતા ઉંઘમાંથી જાગી ગયા હતા. બારીમાંથી જોતા અમીત અને કિસન જોવા મળ્યા હતા. સેજલબેન અને તેના બહેને બૂમાબૂમ કરતા આ શખ્સો નાસી ગયા હતા. દરવાજો ખોલવા જતા તે પણ બહારથી બંધ હતો. બાદમાં સેજલબેનના પિતાએ તેના ભાણેજને ફોન કરી દરવાજો ખોલાવ્યો હતો.
પતિ અને દિયર સહિતનાઓએ કરેલા એસિડ એટેકમાં સેજલબેન મોં, ડાબી આંખ, છાંતીના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા. ડાબી આંખે દેખાતું બંધ થઈ ગયું હતું. જ્યારે તેના મોટા બહેન પણ આંખ અને ડાબા હાથના ભાગે દાઝી ગયા હતા. તેને જમણી આંખમાં દેખાતું બંધ થઈ ગયું હતું. આ અંગે સેજલબેન અમીતભાઈ મકવાણાએ પતિ અમીત નાથા મકવાણા, દિયર કિસન નાથા મકવાણા અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરતા વંથલી પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.