Get The App

સુરતમાં કૌટુંબિક ઝઘડામાં એસિડ એટેક: ડોક્ટરની હાલત ગંભીર, આરોપી ઝડપાયો

Updated: Jan 24th, 2025


Google NewsGoogle News
સુરતમાં કૌટુંબિક ઝઘડામાં એસિડ એટેક: ડોક્ટરની હાલત ગંભીર, આરોપી ઝડપાયો 1 - image


Acid Attack in Surat: સુરતના ગોડાદરા વિસ્તારમાં આજે રાત્રે ડૉક્ટર ઉપર તેના જ ક્લિનિકમાં અજાણ્યાએ કેમિકલ ફેંક્યું હતું. ડૉક્ટર તેને ધક્કો મારી મદદ માટે બહાર દોડી આવ્યા હતા.જોકે, ધક્કો મારતા નીચે પટકાયેલો અજાણ્યો જાણે કશું થયું ન હોય તેમ ઊઠીને ચાલ્યો ગયો હતો. ડૉક્ટરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ગોડાદરા વિસ્તારમાં શ્રી સાંઈ ક્લિનિક ચલાવતા ડૉક્ટર શામજી બલદાણીયા આજે રાત્રે તેમના ક્લિનિકમાં હાજર હતા તે સમયે એક અજાણ્યો ત્યાં આવ્યો હતો અને બહાર ચંપલ કાઢી થેલામાંથી કેરબો કાઢી અંદર આવ્યો હતો. ડૉક્ટર કઈક સમજે તે પહેલા જ તે વ્યક્તિએ કેરબામાંથી કેમિકલ ડૉક્ટરના ચહેરા ઉપર ફેંક્યુ હતું. જેને લીધે તેમને આંખોમાં બળતરા થતાં તેમણે તે વ્યક્તિને જોરથી ધક્કો માર્યો હતો પરિણામે તે વ્યક્તિ ક્લિનિકમાંથી બહાર પાર્ક કરેલા મોપેડ અને દાદરની વચ્ચે પટકાયો હતો. 

ડૉક્ટર મદદ માટે બહાર દોડી આવતા તે વ્યક્તિ જાણે કશું થયું નથી તે રીતે ઉભો થઈને ત્યાંથી ચાલ્યો ગયો હતો. ડૉક્ટરની મદદની બૂમો સાંભળી બાજુમાં મેડિકલ સ્ટોર ચલાવતા સંચાલક અને અન્યો દોડી આવ્યા હતા. ડૉક્ટરે રસ્તા પર ખુલ્લામાં સૂઈ જઈ આંખોને ઠંડક થાય તેવો પ્રયાસ કર્યો હતો.જોકે, તેમને બળતરા વધતા સ્થાનિકોએ બાદમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. 

લોકોને સ્થળ પરથી જે કેરબો મળ્યો હતો તેના ઉપર સલ્ફયુરિક એસિડ લખેલું હતું. આ બનાવમાં એક વ્યક્તિના શર્ટ ઉપર કેમિકલ ઉડતા કાણા પડી ગયા હતા. બનાવની જાણ થતા ગોડાદરા પોલીસે સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે આરોપી શખ્સને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો.

એસિડ એટેક કરનાર વ્યક્તિનું નામ ધીરૂ કવાડ છે, જે ડૉક્ટરોનો સંબંધી છે. આ હુમલો કૌટુંબિક ઝઘડાના કારણે કરવામાં આવ્યો હોવાનું અનુમાન છે. આ વ્યક્તિએ અગાઉ બે વખત રેકી કરી હતી ત્યારબાદ પ્લાન ઘડીને હુમલો કર્યો હતો. 


Google NewsGoogle News