Get The App

આચાર્ય દોલતસાગરજી 103 વર્ષની વયે પૂણેમાં કાળધર્મ પામ્યા

મહેસાણાના પટેલ પરિવારમાં જન્મ્યા હતા

14 વર્ષ ગચ્છાધિપતિ, 36 વર્ષ આચાર્યપદ અને 85 વર્ષનો દીક્ષાપર્યાય ધરાવતા હતા

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
આચાર્ય દોલતસાગરજી 103 વર્ષની વયે પૂણેમાં કાળધર્મ પામ્યા 1 - image


Acharya Dolatsagarji Passes away: સંઘસ્થવિર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના 8માં ગચ્છાધિપતિ આચાર્ય દોલતસાગર સૂરીશ્વરજી મહારાજ પૂણે ખાતે કાળધર્મ પામ્યા છે, તેઓ 103 વર્ષના હતા. તેઓ કાળધર્મ પામતાં જિનશાસને એક વિરાટ શિરછત્ર ગુમાવ્યું છે.

સમગ્ર જિન શાસનમાં સર્વાધિક વય ધરાવતા આચાર્ય

પૂણે ખાતે અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં નિશ્રા આપ્યા બાદ મંગલિક શ્રવણ કરાવી વિહાર કરીને સુજ્ય ગાર્ડન સંઘ ખાતે પધાર્યા હતા. ભાવિકોને માંગલિક-પચ્ચક્ખાણાદિ કરાવીને તેમણે સરળતા સાથે આજે દેહ ત્યાગ કર્યો હતો. સમગ્ર જિન શાસનમાં સર્વાધિક દીક્ષા પર્યાય અને સર્વાધિક વય ધરાવતા આચાર્ય દોલતસાગરસૂરીશ્વરજી પટેલ કુળનું ગૌરવ હતા. 

14 વર્ષની વયે પ્રાપ્ત કર્યો નવકાર મંત્ર

મહેસાણા જેતપુરના પટેલ પરિવારમાં જન્મ બાદ 14 વર્ષની વયે સૌપ્રથમ વખત નવકાર મંત્ર પ્રાપ્ત કર્યો હતો જ્યારે 18 વર્ષની વયે જિનશાસનની દીક્ષાનો સ્વીકાર કર્યો હતો. તેઓ આચાર્ય દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય બન્યા હતા. આગમોદ્વારક આચાર્ય આનંદસાગરસૂરીશ્વરજીના સાન્નિધ્યમાં 9 વર્ષ વીતાવ્યા હતા. આગમોદ્વારકના હસ્તે રજોહરણ પ્રાપ્ત કર્યા હતા. તેમણે આગમ સાહિત્યનું લાખો શ્લોક પ્રમાણ વાંચન-સ્વાધ્યાય તથા કંઠસ્થ અને હૃદયસ્થ કર્યું હતું. આ ઉપરાંત 11 આગમ મંદિર અને પ્રાચીન તીર્થોના નિશ્રા-દાતા બન્યા હતા. 14 વર્ષનો ગચ્છાધિપતિ પદ પર્યાય, 36 વર્ષનો આચાર્ય પદ પર્યાય, 85 વર્ષનો દીક્ષા પર્યાય પાળી જિનશાસને તેઓને સંઘ સ્થવિર તરીકે વધાવ્યા હતા.


Google NewsGoogle News