નડિયાદમાં ભાગીદારની હત્યા કરનારો આરોપી જેલ હવાલે
ટ્રેક્ટરની ડીલરશીપમાં બંને પાર્ટનર હતા
પત્ની સાથે આડા સબંધના વહેમમાં ડંડાથી ફટકારી લાશને કેનાલમાં ફેંકી દીધી હતી
નડિયાદ પશ્ચિમમાં અનેરી હાઈટસ પાસે જય અંબે સોસાયટીમાં રહેતા ધર્મેશભાઈ હસમુખભાઈ દરજી અને મેહુલ સુથાર ભાગીદારીમાં ટ્રેક્ટરની ડીલરશીપનો ધંધો કરતા હતા. ધર્મેશને તા.૧૫મીની રાત્રે તેનો મિત્ર મેહુલભાઈ સુથાર ટ્રેક્ટરની ઇન્કવાયરી માટે જવાનું બહાનું બતાવી ગાડીમાં બોલાવી ગયો હતો. બાદમાં લસુન્દ્રા હાઈવે પર બંને નીચે ઉતર્યા હતા. જ્યાં મેહુલ સુથારે તેની પત્ની રૂપાબેન સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી ધર્મેશ દરજીને માથામાં લાકડાનો ડંડો મારી મોત નીપજાવી લાશને નજીકમાં આવેલી કેનાલમાં ફેંકી દીધી હતી. આ બનાવ અંગે નેહલબેન ધર્મેશભાઈ દરજીની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી મેહુલ સુથારની ધરપકડ કરી હતી. આ આરોપીના આજે રિમાન્ડ પૂર્ણ થતા મેહુલ સુથારને બિલોદરા જેલમાં મોકલી આપવામાં આવેલો છે.