સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને દસ વર્ષની સખત કેદ
ગાંધીનગર શહેરના સેક્ટર-૧૨ પાસેથી છ વર્ષ અગાઉ
સેક્ટર-૨૭ના યુવાન દ્વારા નેપાળ બોર્ડર ઉપર સગીરાને લઈ જવામાં આવી : ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો
ગાંધીનગર : ગાંધીનગરમાં સેક્ટર ૧૨માંથી સગીરાનુ અપહરણ કરીને નેપાળ બોર્ડર ઉપર લઈ જઈને બળાત્કાર ગુજારનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ કેસ ગાંધીનગર બીજા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને ૧૦ વર્ષની સખત કેદ ફટકારવામાં આવી છે.
આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડા પંથકમાં રહેતી સગીરા સેક્ટર ૧૨માં આવેલી કોલેજમાં અભ્યાસ કરતી હતી. જ્યાં આરોપી કિશન જગદીશભાઈ પટેલ રહે પ્લોટ નંબર ૧૨૭ સ્વસ્તિક સોસાયટી સેક્ટર૨૭, મૂળ તાજપુર પ્રાંતિજ દ્વારા ગત ૧૩ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ આ સગીરાને લલચાવી ફોસલાવી તેને ભગાડી ગયો હતો અને અંબાજી,આબુરોડ ગોરખપુર, નેપાલ બોર્ડર જયપુર સહિત અલગ અલગ સ્થળોએ લઈ જઈને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. જે સંદર્ભે ગાંધીનગરના સેક્ટર ૭ પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને જે કેસ ગાંધીનગરના બીજા એડિશનલ સેશન્સ જજશ્રી એસ.ડી મહેતાની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ સુનિલ.એસ પંડયા દ્વારા ભોગ બનનાર અને સાહેદોની જુબાની લેવામાં આવી હતી અને દલીલ કરવામાં આવી હતી કે આરોપીએ ગંભીર પ્રકારનો ગુનો આચર્યો છે આવા કેસમાં સખતમાં સખત સજા થવી જોઈએ. સમાજમાં દાખલો બેસે તે પ્રકારે અને આવા ગુનાઓ બનતા અટકે તે માટે આરોપીને કાયદામાં દર્શાવેલી સજા કરવી જોઈએ. જેના પગલે કોર્ટ દ્વારા આરોપી કિશન જગદીશભાઈ પટેલને બળાત્કાર અને અપરણના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદની સજા અને ૧૦ હજાર રૃપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો.