જમીન વેચાણના નામે 1 કરોડ પડાવી છેતરપિંડી કરનાર આરોપીને પાંચ વર્ષની કેદ

સહ આરોપી પત્ની-પુત્રને કોર્ટે શંકાનો લાભ આપ્યોઃઆરોપી વિરુધ્ધ આર્થિક ગુનો હોઈ સજામાં પ્રોબેશનના લાભની માંગ કોર્ટે નકારી

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News


 

જમીન વેચાણના નામે 1 કરોડ પડાવી છેતરપિંડી કરનાર આરોપીને પાંચ વર્ષની કેદ 1 - image

સુરત 

સહ આરોપી પત્ની-પુત્રને કોર્ટે શંકાનો લાભ આપ્યોઃઆરોપી વિરુધ્ધ આર્થિક ગુનો હોઈ સજામાં પ્રોબેશનના લાભની માંગ કોર્ટે નકારી

      

આઠેક વર્ષ પહેલાં મુંબઈની મિલકત વેચીને સુરતમાં સ્થાયી થનાર ફરિયાદી પાસેથી જમીનમાં રોકાણના નામે 1 કરોડ મેળવ્યા બાદ ગુનાઈત વિશ્વાસઘાત ઠગાઈના કારસામાં સંડોવાયેલા ત્રણ પૈકી  એક આરોપીને ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ એન.જી.પરમારે છેતરપીંડીના ગુનામાં દોષી ઠેરવી પાંચ વર્ષની કેદ,10 હજાર દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારી છે.

મુંબઈમાં કરિયાણાના ધંધા સાથે સંકળાયેલા ફરિયાદી રોહિત કાંતિલાલ કારવડીયા (રે.સીલીકોન પેલેસ,પુણા કુંભારીયા રોડ)એ ગઈ તા.22-12-2018ના રોજ મૂળ અમરેલી જિલાલાના વડીયા તાલુકાના વતની તથા જમીન લે-વેચના ધંધા સાથે સંકળાયેલા આરોપી જગદીશ ડુંગરભાઈ સાવલીયા,તેમના પત્ની નીતાબેન તથા પુત્ર હાર્દિક(રે.વૈભવ બંગ્લોઝ, સરથાણા)વિરુધ્ધ વરાછા પોલીસમાં ઈપીકો-406,420 તથા 114ની ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ ફરિયાદીએ મુંબઈનો ધંધો આટોપીને સુરતમાં સ્થાયી થવા માટે મુંબઈની મિલકતને 1.17 કરોડમાં વેચીને ફરિયાદીના સસરાને ઓળખીતા આરોપી જગદીશ સાવલીયાના કહેવાથી કોસંબા તાલુકાના નંદાવ ગામ સ્થિત જમીનમાં રોકાણના બહાને 1 કરોડ ચુકવ્યા હતા.પરંતુ ત્યારબાદ આરોપીએ તે જમીન પોતાના નામે ન હોઈ સાટાખત કે લખાણ કરવા માટે વાયદા આપી ફરિયાદી ચુકવેલા નાણાં પરત કરવાને બદલે ધાકધમકી આપીને ગુનાઈત વિશ્વાસઘાત કર્યો હતો.

જેથી વરાછા પોલીસે જમીન સંબંધી સોદાના નામ 1 કરોડની ઠગાઈના કારસામાં સંડોવાયેલા આરોપી સાવલીયા પરિવારના ત્રણ સભ્યો વિરુધ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આજરોજ આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવતાં સરકારપક્ષે એપીપી શિતલસિંહ એસ.ધાકરેએ કુલ 14 સાક્ષી તથા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદપક્ષની દલીલોને ધ્યાને લઈ આરોપી જગદીશ સાવલીયાને ઈપીકો-420ના ગુનામાં દોષી ઠેરવી સહ આરોપી પત્ની તથા પુત્રને કોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો હતો.જેથી  આરોપી જગદીશ સાવલીયાના બચાવપક્ષે આરોપીને સજામાં પ્રોબેશનનો લાભ આપવા માંગ કરી હતી.જેના વિરોધમાં ફરિયાદપક્ષે આરોપી વિરુદ્ધ આર્થિક ગુનો સાબિત થયો હોઈ પ્રોબેશન આપવાથી સમાજમાં વિપરિત સંદેશ જાય તેમ હોઈ સમાજમાં દાખલો બેસે તેવી મહત્તમ સજા દંડ ફટકારવા માંગ કરી હતી.જેને કરોટે માન્ય રાખી આરોપી જગદીશ સાવલીયાને પાંચ વર્ષની સાદીકેદ,10 હજાર દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારી છે.


suratcourt

Google NewsGoogle News