રાજમહેલ રોડ વેરાઇ માતાના ચોક નજીક દારૃ વેચતો આરોપી ઝડપાયો
નવાપુરામાં અગાઉ ગુનાઓ નોંધાયા હોવાછતાંય સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ
વડોદરા,રણમુક્તેશ્વર મંદિર નજીક અને વેરાઇ માતાના ચોક પાસે વિદેશી દારૃ વેચતા બે આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયા છે. વાડી અને નવાપુરા પોલીસ સ્ટેશનમાં બંને સામે અગાઉ પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયા હોવાછતાંય સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી. જ્યારે વાઘોડિયા રોડ પર દારૃ ભરેલી કાર લઇને ઉભેલા આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, વેરાઇ માતા ચોક કૈલાસભુવન ખાતે રહેતો કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના રાજપૂત એક કાપડની થેલીમાં વિદેશી દારૃની બોટલો રાખી નેચરલ આઇસક્રીમની દુકાનની બાજુમાં બેસીને વેચાણ કરે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા કનૈયાલાલ પકડાઇ ગયો હતો. તેની સામે અગાઉ ચાર ગુના નવાપુરા અને એક એક ગુનો વાડી તેમજ જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. પોલીસે તેની પાસેથી વિદેશી દારૃની ૧૮ બોટલ, મોપેડ અને બે મોબાઇલ ફોન મળી કુલ ૪૫,૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.
જ્યારે અન્ય એક બનાવમાં રણમુક્તેશ્વર મંદિરની બાજુમાં રામજી મંદિરની ચાલમાં રહેતો વિક્રમસિંહ ઉર્ફે વિક્કી દિપસિંહ રાઠોડ વિદેશી દારૃનો ધંધો કરે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા વિક્રમસિંહ ઝડપાઇ ગયો હતો. પોલીસે તેની પાસેથી વિદેશી દારૃની ૯૬ બોટલ કિંમત રૃપિયા ૧૧,૭૦૦ ની કબજે કરી છે. જ્યારે રફિક દિવાન અને હિમાંશુને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપી સામે અગાઉ જુગાર અને પ્રોહિબિશનના ત્રણ ગુના નોંધાયા છે.
અન્ય એક બનાવની વિગત એવી છે કે, પીસીબી પી.આઇ. એસ.ડી.રાતડાની સૂચના મુજબ, સ્ટાફે વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા પાસે ધનલક્ષ્મી સોસાયટી પાસે પાર્ક કરેલી દારૃ ભરેલી કાર સાથે આરોપી હિતેન્દ્રસિંહ ઉદેસિંહ ડોડિયા ( રહે. આશાપુરા મંદિરની પાસે, વૈકુંઠ ચાર રસ્તા, વાઘોડિયા રોડ, મૂળ રહે. અણીજરા ગામ, તા.નાંદોદ, જિ.નર્મદા) ને ઝડપી પાડયો હતો. તેની સામે શહેર અને જિલ્લામાં ૧૦ ગુનાઓ નોંધાયા છે. જ્યારે ભાવેશને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે આરોપી પાસેથી દારૃની ૭૨ બોટલ કિંમત રૃપિયા ૩૩,૪૨૦ ની કબજે કરી છે. પોલીસે કાર સહિત કુલ ૫.૪૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.