14 લાખની ઠગાઈના ગુનામાં 9 વર્ષથી વોન્ટેડ આરોપી રાજસ્થાનના જંગલમાંથી ઝડપાયો
કાપડનું પેમેન્ટ નહીં કરતા ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાતા સુનીલ જૈન વતન ભાગ્યો
ઘરથી 18 કી.મી દૂર કરિયાણા શોપ ચાલુ કરી હતી
- કાપડનું પેમેન્ટ નહીં કરતા ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાતા સુનીલ જૈન વતન ભાગ્યો
- ઘરથી 18 કી.મી દૂર કરિયાણા શોપ ચાલુ કરી હતી
સુરત, : રૂ.14 લાખનું ગ્રે કાપડ ખરીદી પેમેન્ટ નહીં કરતા સુરતના ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા ઠગાઈના ગુનામાં નવ વર્ષથી વોન્ટેડ આરોપીને ડીસીપી ઝોન 2 એલસીબી સ્ક્વોડે રાજસ્થાનના સુરજપુરના જંગલમાંથી ઝડપી લીધો હતો.ફરિયાદ નોંધાતા વતન ભાગી ગયેલા વેપારીએ ઘરથી 18 કી.મી દૂર કરિયાણાની દુકાન અને એલઆઇસીની એજન્સી શરૂ કરી હતી અને માત્ર રાત્રે જ ઘરે જતો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ નવ વર્ષ અગાઉ વેપારી સુનિલ જૈન રૂ.14 લાખનું ગ્રે કાપડ ખરીદી પેમેન્ટ કર્યા વિના ફરાર થઈ જતા તેના વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી.સ્થાનિક પોલીસે તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.પરંતુ તે ઝડપાયો નહોતો.દરમિયાન, ડીસીપી ઝોન 2 એલસીબી સ્ક્વોડના એએસઆઈ જનકસિંહ ભગવાનસિંહ, એએસઆઇ પ્રદિપભાઇ જગદંબાપ્રસાદ, હેડ કોન્સ્ટેબલ મનિષભાઇ હમીરભાઇ અને કોન્સ્ટેબલ રાકેશભાઇ જેસીંગભાઇએ તેની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સુનિલ જૈન તેના ગામ સુરજપુરથી 18 કી.મી દૂર કરિયાણાની દુકાન અને એલઆઇસીની એજન્સી ધરાવે છે અને રાત્રે જ પોતાના ઘરે જાય છે.કોઈ તેના ઘરે જાય ત્યારે માત્ર તેની પત્ની જ મળતી હોય તેના વિશે કોઈઉ માહિતી મળતી નહોતી.
આથી ડીસીપી ઝોન 2 એલસીબી સ્ક્વોડે રાજસ્થાનના ભીંડર પહોંચી સુનિલ પ્રકાશ જૈન ( ઉ.વ.42, રહે.ઘર નં.86, સુરજપુર, તા.ભીંડર, જી.ઉદયપુર, રાજસ્થાન ) ના ઘર અને દુકાને વોચ ગોઠવી હતી.જોકે, તેની દુકાન બંધ હતી અને તે ઘરે હોવાની જાણ થતા ઘરે પહોંચી તો તે ત્યાં પણ નહોતો.આથી તેની સાથે સ્થાનિક પોલીસ પાસે વાત કરાવી તેનું લોકેશન ટ્રેસ કરતા તે ચાર કી.મી દૂર જંગલમાં હતો.પોલીસે બાઈક પર જંગલમાં જઈ તેને બે મિત્રો સાથે શોધી કાઢી ઝડપી લીધો હતો.યોગ્ય કાર્યવાહી બાદ તેને સુરત લાવી ઝોન 2 એલસીબી સ્ક્વોડે તેનો કબજો ખટોદરા પોલીસને સોંપ્યો હતો.