સગીરા સાથે દુષ્કર્મ-છેડતીના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
સગીરા સાથે દુષ્કર્મ-છેડતીના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા 1 - image


Vadodara Molestation Case : વડોદરા શહરેના માંજલપુર પોલીસ સ્ટેશનમા ગત તા.25 નવેમ્બર 2021ના રોજ નોંધાયેલ ફરીયાદ અનુસંધાને સગીરા સાથે દુષ્કર્મ, છેડતી અને ધમકી આપવાના ગુનામાં વડોદરા પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. 

ફરીયાદ મુજબ આરોપી દિનેશ ઇશ્વરભાઇ પરમાર (રહે. રાધવનગર વુડા, અટલાદરા) એ સગીરાને લગ્નની લાલચ આપીને પોતાના ઘરમાં બોલાવીને અને ફરવા લઈ જઈને અનેક વખત સગીરાની મરજી વિરુદ્ધ શારીરીક સંબંધો બાંધ્યા હતા અને દિનેશે સગીરાના વાંધાજનક ફોટા પાડીને તેને વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. 

ઉપરાંત સગીરાને એવી ધમકી આપી હતી કે " જો તું આ વાત તારા ઘરના સભ્યોને કહીશ, તો તને તથા તારા પરીવારને જાનથી મારી નાખીશ." ગુનાની તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે આરોપી 35 વર્ષનો દીનેશ પરમાર પરણિત છે અને બે સંતાનોનો બાપ છે. 

આ કેસ સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં સરકાર તરફે એડી.પી.પી. આર.એસ.ચૌહાણે કરેલી દલીલો અને પોલીસ દ્વારા રજુ કરવામા આવેલા પુરાવાઓને ધ્યાને રાખીને સ્પે.પોક્સો જજ અને ચોથા એડીશનલ સેસન્સ જજ પ્રિયંકા અગ્રવાલએ આરોપી દિનેશ પરમારને દોષિત ઠરાવી 20 વર્ષ સખ્ત કેદની સજા તથા 10,000 દંડની સજા ફટકારી છે. જ્યારે ભોગ બનનાર સગીરાને વળતર પેટે રૂ.6 લાખની રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે.


Google NewsGoogle News